મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

લોકડાઉનમાં મહિલાએ ખુદ એક વખતનું ભોજન લીધુ કે જેથી ૧૩ શ્વાન ભુખ્યા ન રહે

ચેન્નાઇ,તા.૧૬: લોકડાઉનમાં લોકો ભૂખ્યા રહ્યા, નોકરીઓ ગુમાવી, કિલોમીટર પગપાળા ચાલીને ગયા ત્યારે આ તમામ ઘટના વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આંખો ભરાઇ જશે. ચેન્નઇમાં રહેતી મીનાએ લોકડાઉન દરમિયાન એક ટંક જ ભોજન લીધું છે. આવું તેણીએ એટલા માટે કર્યું કારણ કે, ૧૩ કુતરાઓ ભૂખ્યા ન રહે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તે લોકોના ઘરે જમવાનું બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. કુતરાઓ સાથે તેને અનોખો લગાવ છે. તેને જ પોતાનો પરિવાર માને છે અને સમગ્ર જીવન તેનું ધ્યાન રાખવામાં જ પસાર કરવાનું ઇચ્છે છે.

લોકડાઉન દરમિયાન તેની પાસે ખાણી-પીણીનો પ્રશ્ન થયો હતો અને તેનું કામ પણ ઠપ્પ થઇ ગયું હતું. તો મીનાએ નક્કી કર્યું કે પોતે એક જ વખત ભોજન લેશે અને બીજા ટંકના ભોજનમાંથી કુતરાને ખવડાવશે જેથી તેઓ ભૂખ્યા ન રહે.

મીનાએ જણાવ્યું કે, તેના કેટલાક માલિકોએ લોકડાઉન દરમિયાન મદદ કરી હતી. આ સાથે જ એડવાન્સ સેલેરી પણ આપી હતી. તે લોકો જાણતા હતા કે, મીનાના પરિવારમાં ૧૩ કુતરા છે અને તેને ગલીના તમામ કુતરાઓને ખવડાવવાની ટેવ છે.

(11:16 am IST)