મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

કોરોનાને કારણે વિશ્વમાં દારૂણ ગરીબીમાં સાત ટકાનો વધારો

વિશ્વમાંથી અસમાનતા દૂર કરવાના ૨૦ વર્ષના પ્રયાસો પર કોરોનાને લીધે પાણી ફરી વળ્યું છે

નવી દિલ્હી,તા.૧૬: બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેર કરેલા વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે કોરોનાને કારણે વિશ્વમાં દારૂણ ગરીબીમાં સાત ટકા વધારો થયો છે. આ સાથે રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે સંયુકત રાષ્ટ્રસંઘના વિશ્વમાંથી અસમાનતા દૂર કરવાના ૨૦ વર્ષના પ્રયાસો પર કોરોનાને લીધે પાણી ફરી વળ્યું છે.

રોગચાળાની મહિલાઓ, રંગભેદ અને લઘુમતી કોમ પર અસામન અસર થઇ છે. વિશ્વસ્તરે કોરોનાના રોગચાળાને લીધે મહિલાઓ માટે વગર પગારનું કામ (ઘરકામ) વધી પડયું છે, પગારમાં ઘટાડો થયો છે અથવા નોકરીઓ ગુમાવવાનો વખત આવ્યો છે.

આ રિપોર્ટમાં એમણે કોરોનાના રોગચાળાને રોકવા માટેના ઉપાયો પણ દર્શાવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રોગચાળાનો સામનો કરતી વખતે શ્રેષ્ઠ માનવતા, સામાન્ય વ્યકિત દ્વારા પોતાના કુટુંબ અને પડોશીઓ માટે શકય એટલું કરી છૂટવાની ભાવના, ફ્રન્ટલાઇન વર્કરોની હિંમત, નવતર શોધો વગેરેના દર્શન થયા છે.

આ વૈશ્વીક આફત છે અને એનો સામનો કરવામાં વિશ્વએ એક થવાની જરૂર છે. કોઇપણ એક દેશ આ મહારોગનો એકલપંડે સામનો નહીં કરી શકે, જયાં સુધી વેકિસનને સમાન રીતે વહેંચવામાં નહીં આવે ત્યાં સુધી વેકિસન શોધીને એનું ઉત્પાદન કરવાથી રોગચાળો બંધ નહીં થાય.

(11:15 am IST)