મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

કોરોના મહામારી વકરતા હરિદ્વારનો કુંભમેળો અધ્ધવચ્ચે સંપન્ન કરી દેવાશેઃ મુખ્યમંત્રી તિરથસિંહ રાવત સાંજે મીટીંગ બાદ જાહેરાત કરશે

દહેરાદૂનઃ ઉત્તરાખંડ સહિત દેશભરમાં કોરોનાના કેસો વધતા છેવટે હરિદ્વારના કુંભમેળાને સમય પહેલાં જ સંપન્નાકરવાની વિચારણા થઇ રહી છે. સીએમ તીરથ સિંહ રાવત આજે સાંજે મિટિંગ બાદ આ અંગેની જાહેરાત કરી શકે છે. સરકાર વતી પહેલાંથી જ કુંભ મેળાનો સમય ગાળો ઘટાડી એક થી 30 એપ્રિલ સુધીનો કરાયો હતો. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ વધવાને કારણે અધ્ધવચ્ચે મેળો સંપન્ન કરાઇ શકે છે.

સીએમે કહ્યું હતું-કુંભમેળામાં કોરોના નહિ ફેલાય

અગાઉ ગઇ કાલે જ સીએમ તીરથ સિંહે કુંભ મેળો બંધ નહીં કરવાની વાત કરી હતી. જ્યારે બે દિવસ પહેલાં દાવો કર્યો હતો કે કુંભમેળાની તબલિગી મરકજ સાથે સરખામણી ન કરી શકાય. કારણ કે કુંભમેળાથી કોરોના ફેલાશે નહીં. પરંતુ ઉત્તરાખંડ સહિત યુપી છત્તીસગઢ સહિતના આસપાસના રાજ્યોમાં પણ કોરોનાએ કેર વર્તાવતા હવે સરકાર વિચારણા કરી રહી છે.

નિરંજની અખાડાની પહેલ

સરકાર પહેલાં નિરંજની અખાડાએ 17 એપ્રિલે કુંભમેળો સંપન્ન કરાવાનો નિર્ણય લઇ લીધો. જ્યારે સીએમ તીરથ સિંહ શુક્રવારે સાંજે કોરોનાની અત્યાર સુધીની સ્થિતિ પર સમીક્ષા કરશે. આ અંગે રાજ્યના મુખ્ય સચિવ ઓમપ્રકાશે જણાવ્યું છે કે સાંજની બેઠકમાં વર્તમાન સ્થતિ અંગે મંથન કરી આગળની રણનીતિ નક્કી કરાશે. જેના માટે સીએમે સરકારના તમામ વહીવટી વિભાગોની બેઠક બોલાવી છે.

દહેરાદૂનમાં કેસો વધતા ચિંતાનો વિષય

નોંધનીય છે કે તાજેતરના દિવસોમાં કોરોના સંક્રમણ જે ઝડપે ફેલાઇ રહ્યું છે, તેનાથી સરકાર ગંભીર થઇ છે. ખાસ કરીને દહેરાદૂનમાં વધેલા કેસો ચિંતાનો વિષય છે. હવે દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં સરકારો દ્વારા લેવાઇ રહેલાં પગલાંને ધ્યાનમાં રાખી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના પર મિટિંગમા સમીક્ષા કરાશે.

30 સાધુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ

કુંભમેળા દરમિયાન કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. 30 સાધુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સફાળુ જાગ્યું છે. હરિદ્વારના મુખ્ય મેડિકલ અધિકારી ડો. એસકે ઝાએ જણાવ્યું કે સાધુઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમો અખાડામાં જણ સાધુઓનો ટેસ્ટ કરી રહી છે.

નોંધનીય છે કે સંઘના પ્રમુખ મોહન ભાગવત અને અખાડા પરિષદના અધ્યક્ષ મહંત મરેન્દ્ર ગિરિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. આરોગ્ય વિભાગે અત્યારે 200 જેટલા સાધુનો રિપોર્ટ તપાસ માટે મોકલ્યો છે.

ઉત્તરાખંડમાં કુલ કેસ 1.16 લાખને પાર

ઉત્તરાખંડમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1.16 લાખને પાર પહોંચી ગઇ છે. જેમાંથી 99,700 રિકવર થઇ ગયા. હજુ 12 હજારથી વધુ એક્ટિવ કેસ છે. કેસો વધતા દર્દીઓના સાજા થવાનો દર બહુ ઝડપથી ઘટી રહ્યો છે.

(5:00 pm IST)