મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

સોહરાબુદ્દીન કેસમાં ન્યાય નથી થયોઃ કેસની ફેર તપાસ જરૂરી

બોમ્બે હાઇકોર્ટના પુર્વ જજ અભય એમ. થિપસેનો ધડાકોઃ અનેક બાબતો શંકા ઉપજાવે તેવી છેઃ આ કેસમાં ફેલ્યોર ઓફ જસ્ટીસ કહી શકાયઃ જે રીતે હાઇપ્રોફાઇલ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે તે શંકા ઉપજાવે તેવી બાબત

મુંબઇ તા.૧૪ : બોમ્બે હાઇકોર્ટના પુર્વ જ્જ અભય એમ. થિપસેએ કહ્યુ છે કે જે રીતે સોહાબુદ્ીન નકલી એન્કાઉન્ટર કેસમાં અનેક હાઇપ્રોફાઇલ આરોપીઓને છોડી મુકવામાં આવ્યા છે અને કાનૂની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવ્યુ જેનાથી પ્રતિત થાય છે કે સાક્ષીઓને તોડવામાં આવી રહ્યા છે. આ બધુ બતાવે છે કે, આ મામલામાં ન્યાય નથી થયો. થિપસે ગયા વર્ષે જ અલ્હાબાદ હાઇકોર્ટના જ્જના પદેથી નિવૃત થયા છે. તે પછી તેમણે ઇન્ડિયન એકસપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં આવુ જણાવ્યુ છે અને કહ્યુ છે કે બોમ્બે હાઇકોર્ટે પોતાના પાવરનો ઉપયોગ કરી આ કેસને ફરીથી રિવ્યુમાં લેવો જોઇએ.

 

બોમ્બે હાઇકોર્ટના પુર્વ જ્જે અભય એમ. થિપસે કે જેમણે આ કેસની ચાર જામીન અરજીઓ નકારી કાઢી હતી તેમણે કેટલીક ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. તેમણે એવુ કહ્યુ છે કે આ કેસ હાઇપ્રોફાઇલ આરોપીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે, આડેધડ ટ્રાન્સફરો કરવામાં આવી છે, શંકા જાય તે રીતે જામીન મંજુર કરવામાં આવ્યા છે અને હોસ્ટાઇલ બનવા માટે સાક્ષીઓ ઉપર પ્રેશર લાવવામાં આવ્યુ છે. આવુ જણાવી તેમણે આ સમગ્ર કેસની ફેરવિચારણા કરવા પણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે, આ કેસની અનેક બાબતો એવી છે જે શંકા ઉપજાવે છે અને કોમન સેન્સ કરતા પણ વિરૂધ્ધની દિશામાં કામ થયુ છે.

 

નિવૃત જ્જ અભય એમ. થિપસે જણાવ્યુ છે કે અનેક આરોપીઓને નબળા પુરાવાઓના અભાવે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે પરંતુ એ જ પુરાવાઓના આધારે ટ્રાયલ કોર્ટે તેઓની સામે પુરાવાઓ તપાસી તેમની સામે કેસ પણ નોંધ્યો હતો.

જસ્ટીસ અભયે જણાવ્યુ છે કે તમે માની શકો કે શેખનું અપહરણ કરવામાં આવ્યુ હતુ, તમે એવુ પણ માની શકો કે તે નકલી એન્કાઉન્ટર હતુ. તમે એવુ પણ માની શકો કે તેને ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તમે એ માની ન શકો કે તે વખતના ડીઆઇજી વણઝારા, તે વખતના રાજસ્થાનના એસ.પી. દિનેશ એમ.એન. કે ગુજરાતના એસ.પી .રાજકુમાર પાંડીયન તેમાં સંડોવાયા હતા. એ કેવી રીતે બની શકે કે ઇન્સ્પેકટર લેવલના ઓફિસરો સોહરાબુદ્દીન સાથે સંપર્કમાં હતા ? તેને હૈદ્રાબાદથી ઉઠાવી બીજા રાજયમાં કઇ રીતે લાવી શકાય ? એ જ બાબતમાં તમે કહી શકો કે પાંડીયન અને દિનેશ સામે કેસ બનતો નથી.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અમુક આદેશોની યોગ્ય રીતે સ્ક્રુટની થવી જોઇએ અને હાઇકોર્ટે તેમા ફરીથી તપાસવુ જોઇએ. એ અસામાન્ય બાબત છે કે, અનેક વર્ષો સુધી કેટલાક આરોપીઓને જામીન આપવામાં આવ્યા ન હતા અને બાદમાં કોર્ટ એવુ કહે કે આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેસ બનતો નથી ! લોઅર લેવલના ઓફિસરોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ન હતા પરંતુ સીનીયર ઓફિસરોને ડિસ્ચાર્જ કરી દેવાયા. જો કે બંનેની સામે એકસમાન બાબતો હતી.

આ કેસમાં ૩૮ આરોપીઓમાંથી ૧પને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં ભાજપના એક વરિષ્ઠ નેતાનો પણ સમાવેશ થાય છે ઉપરાંત ગુલાબચંદ કટારીયા, વણઝારા અને પાંડીયનનો પણ સમાવેશ થાય છે. (૩-પ)

(12:38 pm IST)