મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના નવનિયુક્ત રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુનું દેશવાસીઓને સંબોધન : રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા બાદના પ્રથમ સંબોધનમાં દેશ અને વિદેશોમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી : દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ આપી : તાજેતરના વર્ષોમાં વિશ્વએ નવા ભારતનો વિકાસ થતો જોયો હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું

ન્યુદિલ્હી : રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા બાદનું સુશ્રી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન છે. તેમના સંબોધનમાં, સુશ્રી દ્રૌપદી મુર્મુએ 76માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે કહ્યું કે 14મી ઓગસ્ટના દિવસને વિભાજન સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સમરસતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2047 સુધીમાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને પૂર્ણપણે સાકાર કરીશું.જેમણે દેશની સ્વતંત્રતા માટે બલિદાનો આપ્યા છે.

રાષ્ટ્રપતિ સુશ્રી મુર્મુએ કહ્યું કે વિશ્વએ તાજેતરના વર્ષોમાં નવા ભારતનો વિકાસ થતો જોયો છે, ખાસ કરીને COVID-19 રોગચાળો ફાટી નીકળ્યા પછી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય ભાવિ પેઢીને દેશના વારસા સાથે જોડીને ઔદ્યોગિક ક્રાંતિના આગલા તબક્કા માટે તૈયાર કરવાનો છે.

તેમણેઉમેર્યું હતું કે 15 ઓગસ્ટ, 1947ના રોજઆપણે સંસ્થાનવાદી શાસનની બેડીઓ કાપી નાખી હતી. તે શુભ દિવસની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે, આપણે સહુ તમામ સ્વતંત્રતા સેનાનીઓને સલામ કરીએ છીએ. તેમણે દરેક વસ્તુનું બલિદાન આપ્યું જેથી આપણે બધા સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકીએ. તેમણે કહ્યું કે મોટાભાગના લોકતાંત્રિક દેશોમાં મતદાનનો અધિકાર મેળવવા માટે મહિલાઓને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આપણા ગણતંત્રની શરૂઆતથી જ ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવ્યો છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(8:46 pm IST)