મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

યુધ્ધ કરી પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી ભૂસી નાખોઃ તોગડિયા

આપણી દીકરીઓ અને બહેનને પ્રેમ કરવાનો અધિકાર છે, 'વેલેન્ટાઇને' ડે'નો વિરોધ ન કરો

નવી દિલ્હી તા. ૧૩ : પ્રવીણ તોગડીયાએ જમ્મુ-કાશ્મીરમાં સુંજુવાન કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સેનાએ પાકિસ્તાન વિરૂધ્ધ જાહેર કરવું જોઇએ તોગડિયાએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાંં ટીકા કરી હતી.

તોગડીયાએ કહ્યું કે આપણી સેનાએ યુધ્ધની તૈયારી કરવાની સાથે પાકિસ્તાન પર હુમલો કરવો જોઇએ. પાકિસ્તાનનુ નામ દુનિયાના નકશા પરથી ભુંસાઇ જવું જોઇએ. કયાં સુધી આપણે માત્ર વાતો કરતા રહીશું, એમાં તો આપણા જવાનો શહીદ થઇ રહ્યા છે.

તોગડીયાએ કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબુબા મુફતીની ટીકા કરતા કહ્યું કે, જે લોકો આપણી સેનાના જવાનો પર પથ્થરોનો વરસાદ વરસાવે છે એમની સામે નોંધાયેલા કેસ સરકાર પાછા કેવી રીતે ખેંચી શકે. પથ્થરબાજોને રોકવાની માગણીની સાથે કાશ્મીરી હિંદુઓને ફરી તેમના વતન મોકલવાની પણ માગણી કરી હતી.

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તોગડીયાએ ચંડીગઢમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ નહીં કરવાનો સંદેશ કાર્યકરોને આપી દીધો છે. તોગડીયાએ વેલેન્ટાઇન ડેનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, મેં સંદેશ આપી દીધો છે. આપણી દીકરીઓને પ્રેમ કરવાનો હકક છે અને આપણી બહેનને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. તેમ એક અખબારી અહેવાલ જણાવે છે.

(4:39 pm IST)