મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

જજ વિવાદ બાદ સરકાર માટે હવે કોલેજીયમ સિસ્‍ટમના વિરોધ માટે બળ મળી ગયું

ભારતના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ ચાર સિનિયર જજોના આ પ્રકારના વિરોધથી કોલેજિયમની પવિત્રતાનો ગંભીર બંધારણીય મુદ્દો ઊભો થાય છે: ‘કોલેજિયમ સિસ્ટમ કામ કરતી દેખાઈ રહી નથી: જજોનો આ બળવો કોલેજિયમની મીટિંગના બરાબર એક દિવસ બાદ થયો : સિનિયર એડવોકેટ ઇન્દુ મલ્હોત્રા અને ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને હાઈ કોર્ટના જજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચાર જજ ચીફ જસ્ટિસ સામે પડયા બાદ સરકાર અને રાજકીય ગલીઓમાં વિભાજિત કોલેજિયમની ભલામણો અંગે પ્રેસિડેન્શિયલ રેફરન્સની સંભાવના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજ જસ્ટિસ જે. ચેલામેશ્વર, રંજન ગોગોઈ, મદન બી. લોકુર અને કુરિયન જોસેફે શુક્રવારે ચીફ જસ્ટિસ પર પ્રહારો કર્યા હતા, તેમના રાજકીય ટોનને સમજવો વધુ મુશ્કેલ નથી.

આ કોલાહલ વચ્ચે સરકાર એવી સ્પષ્ટતા માગી શકે છે કે, જજોની નિમણૂક પર ખરાબ રીતે વિભાજિત કોલેજિયમની ભલામણો અનિવાર્ય થઈ શકે કે નહિ. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજોની નિમણૂકના મામલે ચીફ જસ્ટિસ અને ચાર અન્ય સૌથી સિનિયર જજો ધરાવતી કોલેજિયમનો અભિપ્રાય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. મોદી સરકારના કાર્યકાળમાં સંસદમાંથી સર્વસંમતિથી પસાર કરવામાં આવેલા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન (NJAC) બિલ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધું હતું. સુપ્રીમ કોર્ટે આયોગના ગઠનને જજોની નિમણૂકના મામલે પોતાના એકાધિકાર વિરુદ્ધ માન્યું હતું.

સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ ચાર સિનિયર જજોના આ પ્રકારના વિરોધથી કોલેજિયમની પવિત્રતાનો ગંભીર બંધારણીય મુદ્દો ઊભો થાય છે. એક સૂત્રે કહ્યું છે કે, ‘કોલેજિયમ સિસ્ટમ કામ કરતી દેખાઈ રહી નથી.’ જજોનો આ બળવો કોલેજિયમની મીટિંગના બરાબર એક દિવસ બાદ થયો છે, જેમાં સિનિયર એડવોકેટ ઇન્દુ મલ્હોત્રા અને ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને હાઈ કોર્ટના જજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

જો સરકાર સુપ્રીમ કોર્ટ માટે આ પ્રકારના રેફરન્સ પર વિચાર કરતી હોય તો રાષ્ટ્રપતિ તરફથી મુખ્ય ન્યાયાધીશને અનુચ્છેદ 143 (1) અંતર્ગત મોકલવામાં આવશે. આ અનુચ્છેદ કહે છે કે, ‘જો કોઈ કાયદો કે અન્ય મુદ્દે સવાલ ઊઠે, જે જાહેર હિતમાં મહત્ત્વનો હોય અને તેમાં સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે તો રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ય અદાલતનો અભિપ્રાય લેવામાં આવી શકે છે. જજોની નિમણૂકોની પ્રક્રિયા અંગે, જેને 1993માં એક ચુકાદાના માધ્યમથી સુપ્રીમ કોર્ટે પોતાના અધિકારમાં લીધો હતો, તેની પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને 23 જુલાઈ, 1998ના રોજ કોર્ટના આર્ટિકલ 143 (1) અંતર્ગત ભલામણ મોકલી હતી. તેમાં તેમણે જજોની નિમણૂક અંગેની પ્રક્રિયા પર મતભેદો અંગે સવાલ ઉઠાવ્યા હતા.

(12:28 pm IST)