મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

નૃપેન્દ્ર મિશ્રા સીજેઆઈના નિવાસે કેમ ગયા?, વડાપ્રધાન ખુલાસો કરે: કોંગ્રેસ

સીજેઆઈના નિવાસની મુખ્ય સચિવની મુલાકાતનો વિવાદ વકર્યો

નવી દિલ્હી, : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાના નિવાસ સ્થાન નજીક જોવા મળતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સર્જાયેલા સંકટમાં દખલગીરી નહીં કરવાની જાહેરાત કરી હતી. આ સંજોગોમાં વડાપ્રધાન મોદીના સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ સીજેઆઈની મુલાકાત કેમ લીધી એ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે, નૃપેન્દ્ર મિશ્રા સીજેઆઈ દીપક મિશ્રાના નવી દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસ સ્થાને સાંજે પાંચ વાગ્યે પહોંચ્યા હતા. જોકે, ત્યારે ઘણાં સમય સુધી દરવાજો ખૂલ્યો ન હતો. પરિણામે નૃપેન્દ્ર મિશ્રાએ કારમાં પરત જતા રહેવું પડયું હતું. ત્યાર પછી વિપક્ષોએ કહ્યું હતું કે, વડાપ્રધાને સીજેઆઈના નિવાસ સ્થાને 'સ્પેશિયલ મેસેન્જર' મોકલવાની કેમ જરૂર પડી. એ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલાસો કરવો જોઈએ. આ ઘટનાના કેટલીક સમાચાર ચેનલોએ ફૂટેજ દર્શાવવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો હતો. સુપ્રીમના ચાર જજે સીજેઆઈ સામે અનેક મહત્ત્વના કેસ પસંદગીની બેન્ચને સોંપતા હોવાનો આરોપ લગાવ્યો છે, જેમાં સીબીઆઈ જજ બી. એચ. લોયાના શંકાસ્પદ મૃત્યુના કેસનો પણ સમાવેશ થાય છે.

 

(11:36 am IST)