મુખ્ય સમાચાર
News of Wednesday, 13th December 2017

૧૯ર૮ની સાલમાં ભારતના મુંબઇમાં સ્‍થપાયેલી ‘‘સાહિત્‍ય સંસદ’’ એ પાંખ ફેલાવી : અમેરિકામાં શરૂ થનારી ‘‘સાહિત્‍યા સંસદ યુએસએ.’’ ની પ્રથમ સભા ફિલાડેલ્ફીયા ખાતે ૧૭ ડીસે.ના રોજ

 

ફિલાડેલ્ફીયા : અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથે ‘‘સાહિત્ય સંસદ યુએસએ’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે કાર્યરત સાહિત્ય સંસદ સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચકે ગઈ ૨૮મી નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી આ જાહેરાત કરતા જણાવ્યું કે સાહિત્ય સંસદગુજરાતી ભાષા અને સાહિત્યની શુદ્ધ ઉપાસનાનાં લક્ષ્યને વરેલી છે અને મુંબઈની આવા ઉદ્દેશ્ય સાથે કામ કરતી આ એક માત્ર સંસ્થા છે. સાહિત્ય સંસદ અન્વયે જે રીતે ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃત્તિ થાય છે અને એને ગુજરાતી સાક્ષરો, વિદ્વાનો,ભાષાકર્મીઓનો બહોળો પ્રતિસાદ મળે છે. અમેરિકામાં પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નાનામોટાં જૂથમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ થાય છે પરંતુ એનું કાર્યસ્વરૂપ અલગ પ્રકારનું હોય છે. જો કે ગુજરાતી ડાયાસ્પોરા સાહિત્ય સર્જનમાં અનેક પ્રસ્થાપિત અને નવોદિત સર્જકો છે અને આશ્ચર્ય થાય એ રીતે ત્યાં ગુજરાતી ભાષાનાં સર્જનશીલો સાહિત્યકર્મ ક્ષેત્રે પ્રવૃત્ત છે. અમેરિકાની અમારી તાજેતરની અને અગાઉની મુલાકાત વેળા એ જોવા અને અનુભવવા મળ્યું અને તેનાથી પ્રેરાઈને જ સાહિત્ય સંસદનો કાર્યવિસ્તાર અમેરિકા સુધી પ્રસારવાનું બળ મળ્યું. 

અમેરિકાના ન્યૂજર્સી નિવાસી જાણીતા લેખક, કવિ, જર્નાલિસ્ટ અને ખૂબ જાણીતા ટેલિવિઝન એંકર અને રેડિયો હોસ્ટ શ્રી વિજય ઠક્કરના પ્રમુખપદે સાહિત્ય સંસદ યુએસએનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાહિત્યસંસદમાં ઉપપ્રમુખપદે ગુજરાત સાહિત્યના ખૂબ જાણીતા લેખક- કવિ ડૉક્ટર નીલેશ રાણાની વરણી કરાઈ છે. ડૉક્ટર નીલેશભાઈ અમેરિકાના ડાયસ્પોરા સર્જકોમાં મૂઠી ઉંચેરુ નામ છે. વાર્તા પરમ્પરા અને કવિતા વિશ્વમાં એમની સૃજનશીલતાને સ્પર્શી શકે એવાં કે એમની અડોઅડ આવીને ઉભી શકે એવા ખૂબ જૂજ નામો છે. વ્યવસાયે તેઓ મેડિકલ ડૉક્ટર છે. સાહિત્ય સંસદના બે મહામંત્રીઓ તરીકે સુશ્રી સુચિ વ્યાસ અને સુશ્રી નંદિતા ઠાકોર વરાયાં છે. સુશ્રી સુચિ વ્યાસ એટલે અમેરિકાની ઇન્ડિયન કમ્યુનીટીનું એક અગ્રેસર નામ. નિબંધકાર અને વાર્તાકાર સુશ્રી સુચિ વ્યાસની કલમે આલેખાયેલા આગવી ભાત ઉપસાવતાં પાત્રચિત્રણ ખૂબ પ્રચલિત થયાં છે. એમનું સુચિ કહેપુસ્તક એક વિશિષ્ટ ભાત ઉપસાવતું અને વિશાળ લોકચાહનાપ્રાપ્ત પુસ્તક છે. ગુજરાતી સાહિત્યકારો, કવિઓ,ગઝલકારો નાટકકારોનું અત્યંત પ્રિય નામ એટલે સુચિ વ્યાસ. સાહિત્ય સંસદના અન્ય મહામંત્રી તરીકે વરાયેલા સુશ્રી નંદિતા ઠાકોર એ ડાયસ્પોરા સ્ત્રી સર્જકોની સાંપ્રત પેઢીમાં પ્રથમ ક્રમે આવતું નામ છે. નિબંધકાર, કવયિત્રી, ગઝલકાર, સ્વરકાર અને સ્વરનીયોજક સુશ્રી નંદિતા ઠાકોરનો આગવો પ્રભાવ છે. સુશ્રી નંદિતા ઠાકોરના કવિતા નિબંધ અને સંપાદનના પુસ્તકો સાહિત્ય રસિકોમાં ખૂબ આવકાર પામ્યા છે. કોષાધ્યક્ષ તરીકે વરાયેલા સુશ્રી કોકિલા રાવલ લેખિકા અને બ્લોગર છે. કેસૂડાં.કોમ નામે ખૂબ પ્રચલિત વેબ મેગેઝીનમાં પ્રકાશિત કરાતી શિષ્ટ વાંચનસામગ્રીનું ચયન અને પ્રકાશન તેઓશ્રી કરે છે. સુશ્રી કોકિલા રાવલના આર્ટીકલ્સ દેશવિદેશના અનેક સામયિકોમાં પ્રકાશિત થાય છે.         

સાહિત્ય સંસદનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. મૂળ ૧૯૨૮માં મુંબઈ ખાતે સ્થપાયેલ સાંતાક્રુઝ સાહિત્ય સંસદએની સ્થાપના પછી થોડા વર્ષો બાદ સ્થગીતાવસ્થામાં હતી પરંતુ આ સંસ્થાને મહાવિદ્વાન પ્રાચાર્ય રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીએ જુલાઈ ૧૯૬૪માં સાહિત્ય સંસદ,સાંતાક્રુઝતરીકે પુન:પ્રસ્થાપિત કરી. શ્રી રામભાઈ સંસ્કૃતસાહિત્ય, ગુજરાતીસાહિત્ય, તત્વજ્ઞાન, રસશાસ્ત્ર, અને ભાષાશાસ્ત્રના ઊંડા અભ્યાસી, વિદ્વાન તથા વિવેચક તરીકે પ્રતિષ્ઠાપ્રાપ્ત વિદ્વદ્દવર્ય પુરુષ હતાં. અનેક શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓના સ્થાપક તેમજ માર્ગદર્શક હતાં. શિક્ષણક્ષેત્રે એક અત્યંત નિપુણ, જાગૃત અને કાર્યદક્ષ આચાર્ય તરીકે એમની નામના હતી. ૧૯૮૯માં આચાર્યશ્રીના અવસાન બાદ ધીરુબેન પટેલે ૧૯૯૫-૯૬માં સંસ્થાને શ્રી સુધીરભાઈ દેસાઈ અને કનુભાઈ સૂચકની સહાયથી ફરી સક્રિય કરી અને ૧૯૯૮માં કનુભાઈ સૂચકે પ્રમુખ તરીકે તેનો પદભાર સંભાળતાંજ ૧૯૯૮ના વર્ષથી સાહિત્ય સંસદ પુન:ચેતના પામી. શુદ્ધ ગુજરાતીની ઉપાસનાના મશાલચી બનીને નિસ્વાર્થભાવે અવિરત કાર્યશીલ કનુભાઈ સૂચકે એનું નેતૃત્વ સ્વીકારીને એને અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિથી વેગીલી બનાવી. સ્વ.પ્રા.નીતિન મહેતાએતો આ સંસ્થાને "શુદ્ધ સાહિત્ય માટે કાર્ય કરતી મુંબઈની એક માત્ર સાહિત્ય સંસ્થા" તરીકે ઓળખાવી તે આ સંસ્થા માટે એક ઉત્તમ પુરસ્કાર છે. સાહિત્ય સંસદ દ્વારા થયેલાં અનેક સાહિત્યિક કાર્યોની ગુણવત્તાની કદર સ્વરૂપે 'મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી' તરફથી વર્ષ ૨૦૧૪માં આ સંસ્થાને 'જીવનગૌરવ' પુરસ્કાર આપવામાં આવ્યો. સાહિત્ય સંસદના અનેક કાર્યક્રમો સાથે સંસ્થાએ સર્જક-ભાવક સંવાદ માટે દર ગુરુવારની બેઠક શરુ કરી જે છેલ્લા ૨૦ વર્ષથી અવિરત ચાલે છે. આ બેઠકોમાં અનેક સર્જકો અને ભાવકોએ સહ્રદય સંસ્પર્શની અનુભૂતિ માણી છે. કારયિત્રી અને ભાવયિત્રી સંવેદનાનો આ પ્રયોગ સાહિત્ય ગુણવત્તાના પ્રસાર અને તેને પ્રોત્સાહક પરિબળ તરીકે સિદ્ધ થયો છે. ગૌરવ સાથે કહી શકાય કે સાહિત્ય સંસદની ગુરુવારની બેઠકમાં ગુજરાતી ભાષાના શિરમોર સાક્ષરો, અનેક વિદ્વદ્જનો અને સાહિત્ય સર્જકોએ પધારી એમના સર્જનોનો પાઠ કરી ભાવકોને લાભાન્વિત કર્યા છે.       

 સાહિત્ય સંસદ યુએસએનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી વિજય ઠક્કરે જણાવ્યું કે સાહિત્ય સંસદની પ્રથમ બેઠક આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ફિલાડેલ્ફીઆ ખાતે યોજાશે જેમાં ગુજરાતી ડાયસ્પોરાનાં ખ્યાતિપ્રાપ્ત વાર્તાકાર શ્રી રાહુલ શુક્લ એમનાં સર્જનો રજૂ કરશે.

કાર્યક્રમની વધુ વિગતો શ્રી  વિજય ઠક્કર : 732 856 4093    સુશ્રી સુચિ વ્યાસ : 215 219 996૨   સુશ્રી નંદિતા ઠાકોર : 410 294 4264 અથવા email;sahityasansadusa@gmail.com

 

(8:57 pm IST)