મુખ્ય સમાચાર
News of Wednesday, 13th December 2017

રૂ. ૨૦૦૦ની ચલણી નોટ બંધ થવાની નથી

RTI સામે RBIનો જવાબ

નવી દિલ્હી તા. ૧૩ : રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ બંધ થશે એવી અફવાઓ ચાલતી હતી, પણ પુણેના એક સામાજિક કાર્યકર્તાએ RTI અરજી કરીને બધી અફવાઓને શાંત પાડી દીધી છે. પ્રફુલ સારદાએ કરેલી RTI અરજીના જવાબમાં સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે રૂ. ૨૦૦૦ની નોટ બંધ થવાની નથી.

ભારતીય રીઝર્વ બેન્કે જવાબમાં કહ્યું છે કે ૨૦૦૦ની નોટ બંધ થવા વિશેની વાત ધડ-માથા વગરની છે. અગાઉ એવા અખબારી અહેવાલો હતા કે રૂ. ૨૦૦૦ની નોટ બંધ થવાની તૈયારીમાં છે.

અહેવાલોમાં એવું જણાવાયું હતું કે રીઝર્વ બેન્કે રૂ. ૨૦૦૦ની નોટનું પ્રિન્ટિંગ ગયા જુલાઈમાં જ બંધ કરી દીધું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ મૂલ્યની વધુ નોટ છાપવામાં આવનાર નથી. બીજી એક અફવા એ હતી કે સરકાર ડિજિટલ કે કેશલેસ સોદાઓને ઉત્તેજન આપવા માગતી હોવાથી ચલણી નોટોને તબક્કાવાર વ્યવહારમાંથી હટાવી લેવાની છે. પરંતુ કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આ અફવાઓનું ખંડન કર્યું છે.

પ્રફુલ સારદાએ એમની RTI અરજીમાં એમ પણ પૂછ્યું હતું કે નોટબંધી અમલમાં આવ્યા બાદ કેટલી કિંમતની ચલણી નોટો જમા કરાવવામાં આવી છે. એના જવાબમાં જણાવાયું છે કે નોટબંધી અમલમાં મૂકાયાના ત્રણ દિવસ બાદ ચલણમાં રહેલી નોટોની કુલ કિંમત રૂ. ૧૭.૮૭ ટ્રિલિયન હતી. આમાં રૂ. ૧, ૨, ૫, ૨૦ અને ૧૦૦ના મૂલ્યની નોટોનો સમાવેશ થાય છે. નોટબંધી બાદ, રૂ. ૧૫.૨૮ ટ્રિલિયન કિંમતની નોટ જમા કરવામાં આવી હતી.(૨૧.૧૪)

(11:51 am IST)