મુખ્ય સમાચાર
News of Tuesday, 13th October 2020

મધ્‍યપ્રદેશના જબલપુરમાં રિક્ષાચાલકને ઢોર માર મારનાર આરોપી અભિષેક દુબેનું કોંગ્રેસ કનેકશન નીકળ્‍યુ

જબલપુર:  મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ઓટો અને સ્કૂટીની ટક્કર થયા બાદ રીક્ષાચાલકને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓ અક્ષય અને મનોજ દુબેની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી અભિષેક દુબે અને ચંદન સિંહ હજુ પણ ફરાર છે. મુખ્ય આરોપીનું પોલિટિકલ કનેક્શન સામે આવ્યું છે. મુખ્ય આરોપીએ પૂર્વ મંત્રી અને કોંગ્રેસ વિધાયક લખન ઘનઘોરિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના પોસ્ટરમાં આરોપીનો ફોટો છે. આ બાજુ પોલીસે પકડાયેલા આરોપીઓનું જૂલુસ પણ કાઢ્યું. આ બાજુ ઓટો ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો

પોલીસનો અમાનવીય અને અસંવેદનશીલ ચહેરો પણ આ ઘટનામાં સામે આવ્યો છે. 6 કલાક સુધી મામલો નોંધ્યા વગર પીડિતને પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખ્યો. દર્દથી કણસતો પીડિત અજીત અર્ધબેભાન અવસ્થામાં પોલીસ સ્ટેશનમાં જ પડી રહ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એસપીના નિર્દેશ પર પીડિતની પણ સુનાવણી થઈ. આરોપીઓ તરફથી સ્કૂટી સવાર છોકરીએ એફઆઈઆર દાખલ કરી હતી.

વિવાદનું કારણ

વાયરલ વીડિયોમાં આરોપી અભિષેક દુબે અને ચંદન સિંહ ઓટોરીક્ષા ચલક અજીત વિશ્વકર્માની પીટાઈ કરતા જોવા મળી રહ્યા છે.  ઘટના જબલપુરના અધારતાલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા શોભાપુરની છે. અહીં ટક્કર થયા બાદ મહિલાએ ફોન કરીને બોલાવેલા કેટલાક લોકોએ ઓટો ડ્રાઈવરની નિર્દયતાથી પીટાઈ કરી. ઓટો ડ્રાઈવર બેહોશ થઈ ગયો તો પણ તેઓ ડ્રાઈવરને લાત અને ઘૂસા મારતા રહ્યા. એટલું જ નહીં પાટીયાથી મારતા પણ જોવા મળ્યા. ઘટનાસ્થળે હાજર લોકો બચાવવાની જગ્યાએ ઘટનાનો તમાશો જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.

સ્કૂટી અને રીક્ષામાં ટક્કર

Additional Superintendent of Police (ઉત્તર) એ. જૈને જણાવ્યું કે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયત્નોનો કેસ દાખલ કરાયો છે અને તેમને શોધવાની કવાયત ચાલુ છે. તેમણે જણાવ્યું કે રવિવારે સાંજે ઓટોરીક્ષા ચાલક વિશ્વકર્માએ શહેરના આધારતાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્કૂટી ચાલકને ટક્કર મારી હતી. સ્કૂટી પર બે મહિલા સવાર હતી. જેમને અકસ્માતમાં થોડી ઈજા થઈ હતી.

રીક્ષાચાલકને નિર્દયતાથી માર્યો

પીડિતનો આરોપ છે કે તે યુવતીએ કેટલાક લોકોને ફોન કર્યો. ફોન કર્યાના થોડીવારમાં જ લાલ રંગની સ્વિફ્ટ કારથી યુવક (ચંદન સિંહ) ત્યાં પહોંચ્યો. થોડીવારમાં બાઈક સવાર અભિષેક ઉર્ફે ગુડી દુબે પણ ત્યાં પહોંચ્યો. બંનેએ મારપીટ શરૂ કરી દીધી. કેટલાકે રોકવાની કોશિશ કરી તો તેમણે તેમના ઉપર પણ ગુસ્સો ઉતારવાનો શરૂ કરી દીધો. આરોપીએ ઓટોરીક્ષામાં રાખેલા લોઢાના સળિયાથી ચાલકના માથા, હાથ, પગ અને પીઠ પર માર માર્યો જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. મારપીટ બાદ આરોપી પીડિતને બાઈક પર નાખીને લઈ ગયા હતાં.

(4:43 pm IST)