મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

સેના માટે હથિયારોની જંગી ખરીદીને લીલીઝંડી અપાઈ

૧૫૯૩૫ કરોડના હથિયારો ખરીદવામાં આવશેઃ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા વધ્યા બાદ લીલીઝંડી

નવી દિલ્હી,તા. ૧૩, જમ્મુ કાશ્મીરમાં સપ્તાહના ગાળામાં બે મોટા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે સેના માટે હથિયારોની જંગી ખરીદીને આજે લીલીઝંડી આપી હતી. હથિયારોની હવે મોટાપાયે ખરીદી કરવામાં આવશે. ૭.૪ લાખ નવી એસોલ્ટ રાઇફલો અને ૧૬૫૦૦ લાઇટ મશીનગન સહિતના હથિયારોની ખરીદી કરવા મંજુરી આપી દેવામાં આવી છે. આ તમામ પ્રકારના હથિયારો ૧૫૯૩૫ કરોડની જંગી રકમથી ખરીદવામાં આવશે. આતંકવાદીઓ સામે જંગ ખેલનાર જવાનોની તાકાતને વધારવા માટે આ હથિયારોની ખરીદી કરવામાં આવનાર છે. જમ્મુમાં હાલમાં આર્મી કેમ્પ પર ભીષણ હુમલા કરવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં હાલમાં જ ડીએસીની બેઠક યોજાઈ હતી. જેમાં આ દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ દરખાસ્તો માટે હવે વિધિવત ટેન્ડર આમંત્રિત કરવામાં આવનાર છે. સશસ્ત્ર કંપનીઓ તરફથી ટેકનિકલ અને વાણિજ્ય બિડ આમંત્રિત કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા ખુબ જ ઝડપથી હાથ ધરવામાં આવશે. ડીએસી દ્વારા ૧૬૫૦૦ લાઇટ મશીનગન માટે એફટીપીને મંજુરી આપી દીધી છે. ૧ વર્ષની અંદર પ્રોજેક્ટની ખાતરી કરવા ૧૮૧૯ કરોડના ખર્ચે વૈશ્વિક બજારથી આની ખરીદી કરવામાં આવશે. આર્મી, નૈવી અને હવાઇ દળને સાથે મળીને ૪૩૭૩૨ નવી લાઇટ મશીનગનની જરૂરીયાત દેખાઈ રહી છે. પ્રાથમિક રીતે ૧૬૫૦૦ મશીન ગનની ખરીદી પાકિસ્તાન અને ચીન સરહદ પર ગોઠવાયેલા જવાનોની જરૂરીયાતને પૂર્ણ કરશે.

(10:16 pm IST)