મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

સુંજવાન એટેક : શહીદ સાત પૈકી પાંચ કાશ્મીરી મુસ્લિમો

વફાદારી ઉપર શંકા કરનાર માટે બોધપાઠ : અસાસુદ્દીન ઓવૈસી દ્વારા ફરીવાર વિવાદાસ્પદ નિવેદન

હૈદરાબાદ,તા. ૧૩ : હંમેશા ચર્ચામાં રહેતા અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણિતા રહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસાસુદ્દીન ઔવેસીએ જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ ઉપર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ત્રાસવાદી હુમલામાં શહીદ જવાનોના બહાને આ મુદ્દાને રાજકીય રંગ આપતા ઔવેસીએ કહ્યું છે કે, આર્મી કેમ્પ ઉપર કરાયેલા હુમલામાં શહીદ થયેલાઓ પૈકી પાંચ કાશ્મીરી મુસ્લિમો હતા. ઓવૈસીએ કહ્યું હતું કે, જે મુસ્લિમોને આજે પણ પાકિસ્તાની સમજે છે તે લોકોને આનાથી બોધપાઠ લેવાની જરૂર છે. ઓવૈસીએ જમ્મુ કાશ્મીરમાં પીડીપી- ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે, બંને પાર્ટી મળીને ડ્રામા રચી રહી છે. સુંજવાન આર્મી કેમ્પ ઉપર કરાયેલા હુમલામાં હજુ સુધી છ જવાન શહીદ થઇ ચુક્યા છે. કેન્દ્ર સરકારે આ ત્રાસવાદી હુમલામાં એનઆઈએને તપાસનો આદેશ આપી દીધો છે. ઓવૈસીએ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સાતમાંથી પાંચ લોકો જે શહીદ થયા છે તે કાશ્મીરી મુસ્લિમો હતા. તેમના ઉપર કોઇ વાત થઇ રહી નથી. તેમણે ઉમેર્યું હતું કે, મુસ્લિમોની વફાદારી ઉપર શંકા કરી રહેલા લોકો આજે પણ તેમને પાકિસ્તાની ગણે છે. ઓવૈસીએ ત્રાસવાદી હુમલા માટે સરકારને જવાબદાર ઠેરવી હત. સરકાર ડ્રામાબાજી કરી રહી છે. ભાજપ-પીડીપી સરકારની નિષ્ફળતાના લીધે આ ત્રાસવાદી હુમલો  થયો છે તેવી વાત કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર સરકાર તમામ મોરચે નિષ્ફળ રહેલી છે. શનિવારના દિવસે હુમલો કરવામાં આવ્યા બાદ છ જવાન શહીદ થઇ ચુક્યા છે. ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. સુંજવાન આર્મી કેમ્પ ઉપર હુમલા બાદ આજે શ્રીનગરના કરણનગર સ્થિત સીઆરપીએફ કેમ્પમાં સોમવારના દિવસે કરવામાં આવેલા હુમલા બાદ બીજા દિવસે ઓપરેશન જારી રહ્યું હતું. સુરક્ષા દળો માને છે કે, આતંકવાદીઓનો ખાત્મો કરવા હજુ વધુ કલાકો લાગી શકે છે. કારણ કે નિવાસી વિસ્તાર હોવાથી સાવધાનીપૂર્વક આગળ વધવાની ફરજ પડી રહી છે. ટૂંકાગાળામાં સતત ત્રાસવાદી હુમલા હાલમાં થયા છે.

(7:39 pm IST)