મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

દેશમાં ચંદ્રાબાબુ સૌથી અમીર મુખ્યમંત્રી છે : રિપોર્ટમાં દાવો

ત્રિપુરાના માણિક સરકાર સૌથી ગરીબ મુખ્યમંત્રી : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પાસે માત્ર ૩૦ લાખ રૂપિયાની સંપત્તિ : ફડનવીસ વિરૂદ્ધ ૨૨ કેસો

નવીદિલ્હી,તા. ૧૩ : દેશમાં સૌથી અમીર મુખ્યમંત્રી કોણ છે તેને લઇને હંમેશા ચર્ચા થતી રહે છે. હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડુ સૌથી અમીર મુખ્યમંત્રી છે. નાયડુની સાથે અમીર લોકોની આ યાદીમાં બીજા નંબર ઉપર અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ છે અને ત્રીજા નંબરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ છે. નાયડુની પાસે ૧૭૭ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાંડુની પાસે ૧૨૯ કરોડ અને અમરિન્દરસિંહની પાસે ૪૮ કરોડની સંપત્તિ છે. દેશના ૨૯ રાજ્યોના મુખ્યમંત્રી દ્વારા ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી સંપત્તિની વિગતના આધાર પર આ આંકડા જારી કરવામાં આવ્યા છે. અમીર મુખ્યમંત્રીની સંપત્તિ જોઇને તમામને આશ્ચર્ય થઇ શકે છે. દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રીઓની સંપત્તિ જોઇને પણ આશ્ચર્ય થઇ શકે છે. ત્રિપુરાની ડાબેર સરકારના મુખ્યમંત્રી માણિક સરકારની પાસે ૨૯ મુખ્યમંત્રીઓમાં સૌથી ઓછી સંપત્તિ છે. માણિક સરકારની પાસે માત્ર ૨૬ લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે પોતાની કોઇ કાર નથી અને કોઇ ઘર નથી. સરકાર બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. મમતા બેનર્જીની પાસે ૩૦ લાખ રૂપિયાન ીસંપત્તિ છે. સંપત્તિની દ્રષ્ટિએ નીચલા ક્રમમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી છે. તેમની પાસે ૫૫ કરોડ રૂપિયા સંપત્તિ છે. સંપત્તિ બાદ દેશના મુખ્યમંત્રીઓ ઉપર અપરાધિક કેસની વાત કરવામાં આવે તો આંકડા ચોંકાવનારા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ઉપર સૌથી વધારે ૨૨ કેસો રહેલા છે. બીજા નંબરે કેરળના મુખ્યમંત્રી વિજયન છે. તેમની સામે ૧૧ અપરાધિક કેસ ચાલી રહ્યા છે. શિક્ષણની વાત કરવામાં આવે તો સિક્કિમના મુખ્યમંત્રી પીકે ચાંમલિન સૌથી વધુ ભણેલા છે. તેમની પાસે ડોક્ટરેટની ડિગ્રી છે. દેશના ૩૯ ટકા મુખ્યમંત્રી ગ્રેજ્યુએટ છે. ૩૨ ટકા પ્રોફેશનલો છે. ૧૬ ટકા મુખ્યમંત્રી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. માત્ર ૧૦ ટકા મુખ્યમંત્રી એવા છે જે હાઈસ્કુલ પણ પાસ કરી શક્યા નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મોટી સંખ્યામાં અપરાધિક કેસ ધરાવે છે. તેમની સામે ૧૦ અપરાધિક રહેલા છે.

(7:38 pm IST)