મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

મણીશંકરની ગદ્દારીઃ કરાંચીમાં બોલ્યા...હું પાકિસ્તાનને પ્રેમ કરૂ છું

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા ચાલુ છે, એલઓસીઓ ઉપર બંને સેનાઓ આમને-સામને છે, જવાનો શહીદ થાય છે ત્યારે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા મણીશંકર અય્યરનો પાકિસ્તાન પ્રેમ ઉભરાયોઃ પાકિસ્તાન વાતચીત કરવા માંગે છે પરંતુ ભારત આડુ ચાલે છેઃ જેનુ મને દુઃખ છેઃ બંને દેશોના ખરાબ સંબંધો માટે ભારત જવાબદારઃ દુશ્મન દેશમાં જઇને ભારત વિરૂધ્ધ ઝેર ઓકયુ પુર્વ કેન્દ્રીય મંત્રીએ

નવી દિલ્હી તા.૧૩ : પોતાના વિવાદીત નિવેદનો માટે જાણીતા કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યુ છે. મણીશંકરે પાકિસ્તાનમાં જઇને બંને દેશ વચ્ચેના ખરાબ સંબંધો માટે ભારત જવાબદાર છે. દેશના આર્મી કેમ્પ ઉપર હુમલામાં જવાનો શહીદ થઇ રહ્યા છે અને મણીશંકરને દોષ ભારતનો દેખાય છે. કરાંચીના એક કાર્યક્રમમાં મંચ ઉપરથી ભારત સરકારના પુર્વ મંત્રી મણીશંકર ભારતની ઝાટકણી કાઢી રહ્યા હતા અને દેશ વિરોધી વાતો કરતા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું જેટલો ભારતને પ્રેમ કરૂ છુ એટલો જ પાકિસ્તાનને પ્રેમ કરૂ છું. અય્યરે એમ પણ કહ્યુ હતુ કે, પાકિસ્તાન વાતચીતના રસ્તા ખોલવા માંગે છે કે જેના પર મને ગર્વ છે પરંતુ ભારત સરકાર આવુ કરવા નથી માંગતી જેનુ મને દુઃખ છે.

રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં ગદ્દારી કરતા અય્યરે બંને દેશો વચ્ચે બંધ પડેલી વાતચીત ફરીથી શરૂ કરવા સલાહ આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સમય માંગ છે કે વાતચીત થાય. કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન તો આ માટે તૈયાર છે પરંતુ ભારત સરકાર આ માટે તૈયાર નથી.

અય્યરે વધુમાં કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનને પ્રેમ કરૂ છુ કારણ કે હું ભારતને પણ પ્રેમ કરૂ છુ. ભારતે પોતાના પાડોશી દેશ સાથે એ પ્રકારે પ્રેમ કરવો જોઇએ કે જેમ તે પોતાની જાતને પ્રેમ કરે છે. તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીર અને ભારતમાં થતી ત્રાસવાદી ઘટનાઓની બે મુખ્ય સમસ્યાઓ છે જેને પહેલા નિપટવી જોઇએ.

કરાંચી લીટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા આવેલા અય્યરે વધુમાં કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનની નીતિઓથી ખુશ છુ પરંતુ ભારતીય નીતિથી મને દુઃખ છે. સતત વાતચીત થવી જોઇએ અને તેનાથી માર્ગ નીકળશે. નિરંતર અને નિરબાધ વાતચીત થવી જોઇએ. મને ગર્વ છે કે પાકિસ્તાને આ નીતિનો સ્વીકાર કર્યો છે પરંતુ દુઃખી છું કે ભારતે આનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનને પ્યાર કરૂ છું તો ઉપસ્થિત લોકોએ તાલીઓ પાડી સ્વાગત કર્યુ હતુ.

અત્રે એ નોંધનીય છે કે અય્યરે ગુજરાતની ચૂંટણી દરમિયાન પીએમ મોદીને નીચ કહ્યા હતા. તેમનો પાકિસ્તાન પ્રેમ કોઇ નવી વાત નથી. તેમણે ર૦૧પમાં પણ ભારતની સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા હતા. જો કે તેઓ હાલ કોંગ્રેસમાં નથી. તેમણે એવુ પણ કહ્યુ હતુ કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત કરવી હોય તો પીએમ મોદીને હટાવવા પડશે.(૩-૪)

(9:49 am IST)