મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

પ્રાંસલામાં શોર્ટ સરકિટથી આગ લાગી છેઃ તપાસ ચાલુઃ કલેકટર

મૃત્યુ પામનારાના પોસ્ટ મોર્ટમ સ્થળ ઉપર જ કરવા કલેકટરનો આદેશઃ સીવીલ હોસ્પીટલની ટીમો ઘટના સ્થળેઃ કલેકટર-એડી.કલેકટરનો આખી રાત મુકામઃ ૧૦૮ની ૧પ ગાડી બોલાવાઇઃ સ્થળ ઉપર રહેલા આર્મી-નેવીના જવાનોથી રાહત કાર્ય શરૂ કરાવાયું: મૃત્યુ પામનારમાં એક રાજકોટના એક સાયલા અને મોરબીની મહીલાઃ ગુજરાત-સૌરાષ્ટ્ર તથા બહારના રાજયોમાંથી આવનાર તમામ માટે કપડા-પૈસા-બસની વ્યવસ્થા કરાવતા કલેકટર... શીબીરનું સમાપન કરી દેવાયું. હાલ પોલીસ ઇન્કવાયરી ચાલશે ધોરાજી પ્રાંતને પણ તપાસ કરી રીપોર્ટ આપવા કલેકટરની તાકીદ....

રાજકોટ તા. ૧૩ :.. ઉપલેટા નજીકના પ્રાંસલામાં પૂ. ધર્મબંધુજી દ્વારા દર વર્ષે યોજાતી રાષ્ટ્ર કથા શીબીરમાં આશ્રમમાં ગઇકાલે મોડી રાત્રે ભયાનક આગ લાગતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે, આ ઘટનામાં રાજકોટ-મોરબી-સાયલાની એક એક એમ કુલ ત્રણ યુવતીના કરૂણ મોત થયાનું કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું.

 

ઘટનાની જાણ થતા કલેકટર ડો. વિક્રાંત પાંડે, એડીશ્નલ કલેકટરશ્રી હર્ષદ વોરા, એસ. પી. અંતરિપ સુદ પ્રાંસલા દોડી ગયા હતા, કલેકટરે આખી રાત ઘટના સ્થળે મુકામ કર્યો હતો, આજે સવારે તેઓ પરત રાજકોટ આવ્યા છે, અને ખર્ચ ઓર્બ્ઝવર દ્વારા ઉમેદવારોના હિસાબોની તપાસણીમાં હાજર રહયા બાદ તેઓ પરત પ્રાંસલા જશે.

કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ઉમેર્યુ હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ આગ શોર્ટ સરકીટ લાગી હોવાનું તારણ નીકળ્યું છે, આમ છતાં તપાસ ચાલુ છે, એટલે ફાઇનલ હવે જાણી શકાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે મૃત્યુ પામનારના પોસ્ટ મોર્ટમ સ્થળ ઉપર જ કરવા મે મંજૂરી આપી દીધી છે, ઘટના સ્થળે જ પીએમ થશે, સીવીલ હોસ્પીટલ-રાજકોટની ટીમો પહોંચી ગઇ છે, બપોર સુધીમાં રીપોર્ટ આવી જશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે ૧પ ને ઇજા થઇ છે તેમને સામાન્ય ઇજા છે, બહુ ચિંતાની બાબત નથી, તમામને સારવાર અપાઇ ગઇ છે. તેમણે જણાવેલ કે શીબીરનું સમાપન કરી લેવાયું છે, સૌરાષ્ટ્ર-ગુજરાત તથા રાજય બહારથી આવનાર તમામ શીબીરાર્થીઓ માટે બસ-કપડા-પૈસાની મદદ કરી પરત મોકલી દેવાયા છે, સંખ્યાબંધના કપડા ૪પ થી ૪૭ જેટલા ટેન્ટો સળગી જવાને કારણે બળી ગયા છે, તે તમામને મદદ કરી દેવાઇ છે.

રાહત કાર્ય અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે ઘટનાની જાણ થતા તુર્ત જ ૧૦૮ ની ૧પ ગાડી આવી ગઇ હતી અને શીબીરમાં આવનાર આર્મી-નેવીના જવાનોની મદદથી તુર્ત જ રાહત કાર્ય શરૂ કરી દેવાયું હતું, જેના પરીણામે જાનહાની અટકાવી શકાય છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે વીન્ટર સીઝનને કારણે પ૦૦થી વધુ શીબીરાર્થીઓને ધાબળાની પણ વ્યવસ્થા કરી દેવાઇ છે, ડોકટરોની ટીમ ખડેપગે છે. હાલ પોલીસ  ઇન્કવાયરી ચાલશે, અને ધોરાજી પ્રાંતને પણ ઇન્કવેશ ભરી તપાસ કરી  રીપોર્ટ આપવા આદેશો કર્યા છે. આખી રાત ધોરાજી-ઉપલેટા મામલતદાર - ડીવાયએસપીની ટીમ ખડેપગે રહી હતી.

મૃત્યુ પામનાર - ઇજા પામનારને વળતર અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે, હાલ તેની પ્રોસીઝર ચાલુ કરાઇ છે, સરકારમાંથી સીધી સુચના આવ્યે કાર્યવાહી કરાશે.

 

(11:36 am IST)