મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

લોકતંત્ર ખતરામાં હોવાનો કોંગ્રેસ પાર્ટીનો અભિપ્રાય

કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આક્ષેપ : સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ દ્વારા સીજેઆઈ પર ગંભીર પ્રકારના આક્ષેપો કરાયા બાદ કોંગી તરફથી પણ પ્રતિક્રિયા

નવીદિલ્હી,તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજના સીજેઆઈ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ તેની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, લોકતંત્ર ખતરામાં છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ચાર જજ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વહીવટી અને અનિયમિતતાના આરોપ પર અમે ગંભીર છીએ અને ચિંતિત પણ છીએ. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત આ પ્રકારના આરોપો જાહેરમાં મિડિયા સમક્ષ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા અનિયમિતતાના આરોપો મુકવામાં આવ્યા હતા. આશરે બે મહિના પહેલા પત્ર લખીને ચાર જજોએ ચીફ જસ્ટિસને અનિયમિતતા તરફ ધ્યાન દોર્યું હતું. સુપ્રીમ કોર્ટના નંબર બેના જજ ગણાતા જસ્ટિસ  ચેલેમેશ્વરે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે, આ મામલો એક કેસના એસાઈન્ટમેન્ટને લઇને હતો. ચીફ જસ્ટિસને અમે વાત સમજાવી શક્યા ન હતા.

(7:57 pm IST)