મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

જાણો છો, કોણ ઉઠાવે છે PM મોદીના કપડાનો ખર્ચ

RTIમાં થયો ખુલાસો કોણ ચૂકવે છે વડાપ્રધાનના કપડાના પૈસા

નવી દિલ્હી તા. ૧૨ : વડાપ્રધાન મોદીના કપડા અને ડ્રેસિંગ પર અનેકવાર વિપક્ષો નિશાનો સાધી ચૂકયા છે. વડાપ્રધાન મોદી દરેક કાર્યક્રમમાં એક અલગ જ અને ખાસ ડ્રેસિંગ સાથે જોવા મળે છે. જેને લઈને મીડિયામાં પણ તેમના વિરોધીઓ આ મુદ્દો ઉઠાવી ચૂકયા છે. ત્યારે વડાપ્રધાન કાર્યાલય તરફથી એક RTIમાં જાણકારી આપવામાં આવી કે પીએમ મોદી પોતના કપડા પર ખર્ચ પોતાની અંગત સેલેરીમાંથી કરે છે આ માટે કોઈ સરકારી ખર્ચ ઉઠાવવામાં આવતો નથી.

RTI કાર્યકર્તા રોહિત સબ્બરવાલે માહિતીના અધિકારી અંતર્ગત આ જાણકારી માગી હતી. આ પહેલા સબ્બરવાલે અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના અંગત ખર્ચા સાથે જોડાયેલ મુદ્દે પણ RTI કરી હતી. આ બંને વડાપ્રધાનના કાર્યકાળમાં તેમના કપડા પાછળ કેટલો સરકારી ખર્ચ થયો છે તેની માહિતી માગી હતી.

તો બીજી બાજુ વડાપ્રધાન મોદીએ પદ ગ્રહણ કર્યા બાદ અત્યાર સુધી તેમના અંગત ખર્ચા પાછળ કેટલું સરકારી ધન વપરાયું હોવાની પણ RTI કરી હતી. જેના જવાબમાં PMOએ કહ્યું કે વડાપ્રધાનના કપડા પાછળ એક પણ રુપિયો સરકારી તીજોરીમાંથી નથી ચૂકવાતો. આ માટે વડાપ્રધાન ખૂબ પોતાની સેલેરીમાંથી પૈસા ખર્ચ કરવાનો આગ્રહ રાખે છે.

માહિતી અધિકાર અંતર્ગત આ જાણકારી મળ્યા બાદ RTI કાર્યકર્તા સબ્બરવાલે કહ્યું કે, 'મોટાભાગના વિપક્ષો દ્વારા પીએમના કપડા અંગે કાગારોળ મચાવ્યા બાદ લોકોને એવું જ લાગતું હતું કે પીએમ મોદીના કપડા પાછળ ખૂબ મોટી સરકારી રકમ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હવે આ ભ્રમ દૂર થયો છે.'

આ સાથે જ તેમણે કહ્યું કે, 'તેમણે પણ આ RTI રાજકીય પાર્ટીઓ દ્વારા અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા વડાપ્રધાનના કપડા અને રહેણી-કરણી પર સવાલ ઉઠાવ્યા બાદ તેમાં કેટલું સત્ય છે તે જાણવા માટે જ ગત ડિસેમ્બર માસમાં RTI કરી હતી.'

(7:32 pm IST)