મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

બજેટનો રંગ ફિક્કો પાડી દીધો GSTએ

હવે ઇન્કમ ટેકસ સિવાય આમ આદમી માટે બજેટ પર ચર્ચાનો કોઇ મોટો મુદ્દો જ રહ્યો નથીઃ જીએસટી લાગુ થયા બાદ બજેટ હવે અલગ અલગ વસ્તુઓ માટે નાણાની ફાળવણી, ડિરેકટ ટેકસીસ, કસ્ટમ્સ ડયુટીઝ અને લેવીઝ માટે જ રહી ગયું છે

નવી દિલ્હી તા. ૧૨ : ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ લાગુ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)એ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણું પરિવર્તન લાવી દીધું છે. જીએસટીએ બજેટ સાથે જોડાયેલું સસ્પેન્સ અને મિસ્ટ્રીને પણ ખતમ કરી દીધાં છે, કારણ કે તેમાં પૂરેપૂરો ઇનડિરેકટ ટેકસ સામેલ થઈ ગયો છે. હવે વસ્તુઓ અને સેવાઓ માટે જીએસટી કાઉન્સિલ ટેકસ રેટ નક્કી કરે છે. વાસ્તવમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આગામી કેટલાક મહિનામાં જીએસટી લાગુ થવાની આશામાં પોતાના ગત બજેટમાં જ ઇનડિરેકટ ટેકસ સંબંધિત પ્રસ્તાવોને નજરઅંદાજ કર્યા હતા. હવે જીએસટી લાગુ થયા બાદ બજેટ હવે અલગ અલગ વસ્તુઓ માટે નાણાંની ફાળવણી, ડિરેકટ ટેકસીસ, કસ્ટમ્સ ડ્યુટીઝ અને લેવીઝ માટે જ રહી ગયું છે.

ઇનડિરેકટ ટેકસને કારણે બજેટ મોટા વર્ગ માટે ઉત્સુકતાનો વિષય રહેતું હતું. જોકે ઇનકમ ટેકસ બજેટનું હજી પણ મુખ્ય આકર્ષણ બિંદુ હશે. પહેલા બજેટ અંગે રસ્તા પર બીડી-સિગારેટ, તમાકુ વેચનારા લોકોથી લઈને જવેલરી ખરીદતી ગૃહિણીઓ સુધીમાં ઉત્સાહ રહેતો હતો. લોકોને એ જાણવાની ઉત્સુકતા રહેતી હતી કે, બજેટ બાદ કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે.

મોટે ભાગે એવું થતું હતું કે, બજેટમાં જે વસ્તુઓ મોંઘી થવાની આશંકા વ્યકત કરાતી હતી, નાના દુકાનદારો તેને સ્ટોક કરવા લાગી જતા હતા. ઇનડિરેકટ ટેકસીસને કારણે બજેટ દરેક ભારતીયના જીવન સાથે સીધું જોડાયેલું હતું. અમીર-ગરીબ, યુવા-વૃદ્ઘ, સ્ટુડન્ટ-પ્રોફેશનલ, બિઝનેસ-વેન્ડર, દરેક લોકો પર બજેટની અસર પડતી હતી, પરંતુ હવે ઇનકમ ટેકસ સિવાય આમ આદમી માટે બજેટ પર ચર્ચાનો કોઈ મોટો મુદ્દો જ રહ્યો નથી.

જોકે કૃષિથી લઈને આવાસ જેવી યોજનાઓની અસર સામાન્ય ભારતીયોના જીવન પર પડે છે તથા અપ્રત્યક્ષ કરની અસર લોકોના રોજિંદા જીવન પર પણ પડે છે.

કંઈ પણ હોય, આર્થિક નુકસાન કે કૃષિ સિંચાઈ યોજના પર લોકો આ પ્રકારની પ્રતિક્રિયા આપતા નથી, જેટલું રેફ્રિજરેટર તથા બ્રાન્ડેડ કપડાં સસ્તાં કે મોંઘાં થવા પર બોલે છે. ગયા વર્ષે બજેટ પૂર્વે નાણાપ્રધાનની બજેટ બ્રિફકેસ કોઈ રહસ્યમયી વાર્તાઓનો પટારો જ લાગતી હતી. તેમણે સંસદમાં પહોંચીને બ્રિફકેસ ખોલતાં જ લોકોમાં આશા, અપેક્ષાનો સંચાર થતો હતો, પણ જીએસટીએ બધું જ બદલી નાખ્યું.(૨૧.૫)

(9:41 am IST)