મુખ્ય સમાચાર
News of Tuesday, 12th October 2021

બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાશે: ઓડિશા, કેરળ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી

પવનની ગતિ પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટર વચ્ચે રહેશે અને અમુક તબક્કે તે વધીને 60 કિલોમીટર આસપાસ થશે.

નવી દિલ્હી : આંદામાન- નિકોબારના દરિયામાં ઉત્તર દિશામાં દરિયાની સપાટીથી ૩.૧ કિલોમીટરની ઊંચાઇ પર સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે અને આવતીકાલ સુધીમાં બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેસર સર્જાશે અને તે 24 કલાક માં વેલમાર્ક લો-પ્રેશર બની જશે. નૈઋત્યનું ચોમાસું તેના અંતિમ ચરણમાં છે અને ત્યારે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું ઉદભવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે હવામાન ખાતા દ્વારા વાવાઝોડા સંદર્ભે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જાણકારોના કહેવા મુજબ આવતીકાલે આ સંદર્ભે સત્તાવાર જાહેરાત થાય એમ જણાઈ રહ્યું છે.

ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર ઉભું થયા પછી 24 કલાક બાદ એ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં એટલે કે દક્ષીણ ઓડીશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયા કિનારા વચ્ચે ગતિ કરશે અને ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટર વચ્ચે રહેશે અને અમુક તબક્કે તે વધીને 60 કિલોમીટર આસપાસ થશે.

(11:33 am IST)