મુખ્ય સમાચાર
News of Thursday, 12th August 2021

જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લામાં બીએસએફના કાફલા ઉપર હુમલો : ૩ આતંકી ફસાયા

બે દિવસ પહેલા પણ શોપીયા જીલ્લામાં સીઆરપીએફની ટીમ ઉપર હુમલો કર્યો'તો

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકીઓ એ સુરક્ષાદળોને પોતાના નિશાન બનાવ્યા છે. આતંકીઓએ ગુરૂવારે બીએસએફના કાફલા પર હુમલો કર્યો હતો. તે બાદ સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યુ છે કે હજુ ત્રણ આતંકી ફસાયેલા છે.

બીએસએફના કાફલા પર હુમલો દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં માલપોરા કાજીગુંડ પાસે શ્રીનગર-જમ્મુ હાઇવે પર થયો છે. આ હુમલામાં કોઇના નુકસાનના સમાચાર નથી. હુમલા બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા છે અને બન્ને વચ્ચે અથડામણ ચાલુ છે. ત્રણ આતંકીઓના ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.

કાશ્મીરના આઇજીપી વિજય કુમારે એક ન્યૂઝ એજન્સી સાથે હુમલાની પૃષ્ટી કરી છે, તેમણે કહ્યુ કે કુલગામમાં BSF કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે. કોઇ નુકસાન થયુ નથી. જોકે, આતંકીઓએ સુરક્ષાદળોને ઘેરી લીધા છે અને સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે, તેમણે કહ્યુ કે પોલીસ, સીઆરપીએફ અને આર્મીના સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોચી ગયા છે.

આતંકીઓએ બે દિવસ પહેલા ૧૦ ઓગસ્ટે CRPFની પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આ હુમલો દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ક્રાલચેક વિસ્તારમાં થયો હતો.

(4:20 pm IST)