મુખ્ય સમાચાર
News of Thursday, 12th August 2021

લોકોને આ નદીનું પાણી ગરમીમાં ઠંડુ અને ઠંડીમાં ગરમ લાગે છે

દુનિયાની સૌથી નાની નદીની લંબાઇ માત્ર ર૦૧ ફૂટ : આટલી લંબાઇમાં માત્ર ૪ થી પ ઘર આવી શકે

શું તમે એવી નદી વિશે જાણો છો, જે માત્ર ૪થી ૫ ઘર સુધી વહેતી હોય. તમને એવું લાગતુ હશે કે, શું આટલી નાની નદી હોઈ શકે? હાં આટલી નાની નદી છે. એક એવી નદી જેની લંબાઈ સાંભળીને તમને સહેજ પણ વિશ્વાસ નહીં થાય.

આ નદીનું નામ રો રિવર છે. નદી મોંટાના અમેરિકામાં વહે છે, થોડા મીટર બાદ આ નદી મિસૂરી નદીમાં ભળી જાય છે. દુનિયાની સૌથી નાની નદીની લંબાઈ માત્ર ૨૦૧ ફૂટ છે એટલે કે, ૬૧ મીટર છે. આટલી લંબાઈમાં માત્ર ૪થી ૫ ઘર આવી શકે છે.

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ નદીને સૌથી નાની નદી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. રો નદી ૬ થી ૮ ફૂટ એટલે કે, ૧.૮થી ૨.૪ મીટર ઊંડી છે. આ નદી વિશે સૌથી પહેલા જાણકારી ૧૯૮૭માં ધોરણ ૫ સુધી અભ્યાસ કરાવતા શિક્ષક સુસી ર્નાદિંગરે આપી હતી. તેમના વિદ્યાર્થીઓએ અમેરિકી બોર્ડમાં એક અરજી દાખલ કરીને જણાવ્યું હતું, કે આ નદીનું નામ રો રિવર રાખવામાં આવે.

NFLનો પ્રખ્યાત ફૂટબોલર ડલાસ નીલે ટીવી શો માં આ નદી વિશે જાણકારી આપી છે. ડલાસ નીલ તે જ સ્કૂલનો એક વિદ્યાર્થી હતો. આ નદી પહેલા ઓરેગાનમાં વહેતી ડી નદી દુનિયાની સૌથી નાની નદી હતી. આ નદીની લંબાઈ ૧૩૦ મીટર એટલે કે, ૪૪૦ ફૂટ હતી. ત્યાર બાદ ગિનીઝ બુક સામે અનેક નાની નદી હોવાના દાવા કરવામાં આવ્યા, પરંતુ તે દાવાઓ માનવામાં આવ્યા ન હતા.

રો રિવરને સૌથી નાની નદી માનવા પાછળનું કારણ તેનો આકાર, પહોળાઈ અને ઊંડાઈ છે. આ નદી થોડા મીટર બાદ મિસૂરી નદીમાં ભળી જાય છે. ત્યાર બાદ તે ગ્રેટ સ્પ્રિંગ્સ સ્ટેટ પાર્કમાં ગ્રેટ ફોલ રૂપે વહેવા લાગે છે. મિસૂરી નદીમાં ભળ્યા પહેલા આ નદી તેના સમાન અંતરમાં વહે છે.

હવે સવાલ થઈ રહ્યો છે, કે સૌથી નાની નદીનો પાણીનો સ્ત્રોત શું છે. આ નદીમાં પાણી ક્યાંથી આવે છે. આ નદી ચૂનાના પત્થરો નીચેથી વહે છે, ત્યારબાદ તે બહાર આવે છે. કહેવામાં આવે છે, કે આ નદી જ્યારે જમીન નીચેથી વહે છે, ત્યારે તે વધુ માત્રામાં પાણી સાથે વહે છે. લોકોને આ નદીનું પાણી ગરમીમાં ઠંડુ અને ઠંડીમાં ગરમ લાગે છે.

ભારતની સૌથી નાની નદી કઈ છે તમને ખબર છે? ભારતમાં સૌથી નાની નદી અરવારી છે અને આ નદી રાજસ્થાનમાં વહે છે. આ નદીની લંબાઈ ૯૦ કિમી છે.

(3:10 pm IST)