મુખ્ય સમાચાર
News of Thursday, 12th August 2021

કોરોનામાંથી સાજા થયા બાદ રસી ન લેનાર લોકોને ફરી સંક્રમણ લાગવાનો ખતરો વધુ

કોરોનાની રસી ના મુકાવનાર લોકો માટે ખૂબ જ મહત્વની વિગતો સામે આવી

ન્યૂયોર્ક,તા.૧૨:કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરમાં અનેક લોકોના મોત થયા છે. ત્રીજી લહેર પણ ભયાનક હશે તેવી આશંકા નિષ્ણાંતો વ્યકત કરી ચૂકયા છે. જેથી ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ શકય હોય તેટલી ઝડપથી લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોરોનાની રસી ના મુકાવનાર લોકો માટે ખૂબ જ મહત્વની વિગતો સામે આવી છે.

અમેરિકામાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ રસી ના લેનાર લોકોને ફરીથી સંક્રમણ લાગવાનો ખતરો વધુ છે. અમેરિકાની સેન્ટર ફોર ડીસીઝ એન્ડ પ્રિવેંશન નામની સંસ્થાએ લોકોને અપીલ કરી છે કે, કોરોના થઈ ગયો હોય તેવા લોકો પર ડેલ્ટા વેરિયન્ટનો ખતરો વધુ છે, તેથી આવા લોકો નિશ્ચિત સમયમાં રસીકરણ કરાવી લે.

રસીના કારણે લોકોની કુદરતી રોગપ્રતિકારક શકિત બુસ્ટ થતી હોવાના પુરાવા મળ્યા હોવાનો ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. સીડીસીને ડાયરેકટર રોશેલ વેલેન્સ્કીનું કહેવું છે કે, તમે અગાઉ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોવ તો રસી લઈ લો. દેશમાં કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી પોતાની અને આસપાસના લોકોની સુરક્ષા માટે વેકિસન મુકાવવી જોઈએ.

નવા વેરિયન્ટથી થતા રીઇન્ફેકશન અંગેની જાણકારી અત્યારે ખૂબ જ ઓછી છે. પણ અમેરિકાના હેલ્થ અધિકારીઓએ બ્રિટનના આંકડા પરથી સંકેતો આપ્યા કે, ડેલ્ટા વેરિયન્ટથી બીજી વખત સંક્રમિત થવાનો ખતરો વધુ છે. જો તમે છેલ્લા ૬ મહીનામાં કોરોના સંક્રમિત થયા હોવ તો આલ્ફા વેરિયન્ટની સરખામણીએ ડેલ્ટા વેરિયન્ટથી ફરી સંક્રમિત થવાનો ખતરો વધુ છે.

(10:30 am IST)