મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

ગરીબ અને મધ્યમ દેશો હજુ રસીથી વંચિત

રસીકરણની આ જ સ્પીડ રહેશે તો હર્ડ ઇમ્યુનીટી મેળવતા ૪ાા વર્ષ લાગશે

૧૯૪ દેશોમાં રસીકરણ શરૂ : ૨૬ દેશો હજુ બાકી

લંડન તા. ૧૨ : કોરોના સામેની લડાઇમાં રસી બનાવવાના વૈશ્વિક પ્રયત્નોના અત્યંત સકારાત્મક પરિણામો આવ્યા છે. જો કે ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોને પૂરતા પ્રમાણમાં રસી ન મળવી તે વૈશ્વિર મહામારી પર કાબુ મેળવવાના પ્રયાસો માટે મોટા ઝટકા સમાન છે.

ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં રસીકરણની હાલની ઝડપ (રોજના ૬૭ લાખ લાખ ડોઝ)ને જોતા હાર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવામાં ૪.૬ વર્ષ લાગવાનો અંદાજ દર્શાવાયો છે.

નિષ્ણાંતો અનુસાર કેટલાય ગરીબ દેશોમાં રસીનો સપ્લાય હજુ શરૂ પણ નથી થયો. આ પરિસ્થિતિમાં ઓછી આવક અને સંસાધનો વાળા આ દેશોમાં આ વર્ષે ૮૦ ટકા વસ્તીને રસીનો એક પણ ડોઝ નહીં મળી શકે. રિપોર્ટ અનુસાર, રસીના વિકાસ માટે મોટા પાયે રોકાણ થવું પ્રશંસનીય છે પણ મહામારીથી છૂટકારો મેળવવામાં દુનિયા હજુ ઘણી પાછળ છે અને તેનું મુખ્ય કારણ વૈશ્વિક સપ્લાય રણનીતિનો અભાવ છે.

રિપોર્ટમાં રસીકરણના મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા જેટલો મહત્વપૂર્ણ ગણાવાયો છે. નિષ્ણાંતો અનુસાર રસી વિતરણ સપ્લાયમાં ગરીબ દેશોની મદદ કરવી તે અમીર દેશોની નૈતિક જવાબદારી તો છે જ સાથે જ તે તેમને સુરક્ષા પણ આપશે.

યુરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેરે કહ્યું કે, મહામારીથી છૂટકારો મેળવવા માટે વૈશ્વિક પ્રયાસોની જરૂર છે. આપણામાંથી કોઇ પણ ત્યાં સુધી સુરક્ષિત નહીં બની શકે જ્યાં સુધી બધા લોકો વાયરસના જોખમ સામે સુરક્ષિત નહીં બની જાય.

(11:52 am IST)