મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

જજોના આરોપ અને પત્ર બાદ મોદીની કાયદામંત્રી સાથે ચર્ચા

સીજેઆઈ પર ચાર જજના આરોપથી સરકાર પણ હચમચી : સુપ્રીમ કોર્ટનો આંતરિક મામલો છે અને સરકાર કોઇ પક્ષ તરીકે નહીં હોવાનું સરકારનું વલણ : સરકાર તરફથી હજુય સત્તાવાર નિવેદન જારી કરાયું નથી

નવીદિલ્હી,તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચાર જજ તરફથી પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર ગંભીરપ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પણ હચમચી ઉઠી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના આ પગલા બાદ વડાપ્રધાન મોદીએ તરત જ કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે ફોન પર વાત કરી હતી. આ મામલામાં સરકારને પણ હવે ઘણા સ્પષ્ટીકરણ કરવાની જરૂર પડશે. સનસનાટીપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યા બાદ ન્યાયપાલિકાથી લઇને સરકાર પણ હચમચી ઉઠી છે. જજના આરોપ અને પત્ર બાદ મોદીએ રવિશંકર પ્રસાદ સાથે વાતચીત કરી છે. અલબત્ત આને લઇને કોઇ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર માને છે કે, આ કોઇ સરકારનો મામલો નથી. આમા દરમિયાનગીરી કરવાની જરૂર દેખાઈ રહી નથી. સરકાર એમ પણ માને છેકે, આ સુપ્રીમનો આંતરિક મામલો છે. સરકાર તેમાં પક્ષ નથી. સમગ્ર મામલાને લઇને ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ સાથે વાતચીત કરીને ચર્ચા કરી છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, મિડિયાની સમક્ષ આવનાર ચાર જજો જો પોતાની પીડા રજૂ કરી છે તો તેમને ચોક્કસપણે પીડા થઇ હતી. સ્વામીએ એમ પણ કહ્યું છે કે, જજોએ ચીફ જસ્ટિસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમની વચ્ચે વિવાદ છે જેથી વડાપ્રધાને આ મામલામાં દરમિયાનગીરી કરવી જોઇએ. મિડિયાની સમક્ષ વાત રજૂ કરનાર ચારેય જજ બુદ્ધિજીવી છે. તેમની વાતો પર ધ્યાન આપવાની જરૂર છે.

CJI પર મહાભિયોગ અંગે દેશ જ નિર્ણય કરે

       નવીદિલ્હી, તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજના સીજેઆઈ ઉપર શુક્રવારના દિવસે ગંભીરપ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા બાદ દેશભરમાં હોબાળો મચેલો છે. સુપ્રીમ કોર્ટમાં નંબર બેના જજ ગણાતા જસ્ટિસ ચેલેમેશ્વરે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમારા પત્ર પર હવે રાષ્ટ્રને વિચારણા કરવાની જરૂર છે. મુખ્ય ન્યાયાધીશની સામે મહાભિયોગ ચલાવવામાં આવે કે કેમ તે અંગે રાષ્ટ્રએ નિર્ણય કરવો જોઇએ. જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું હતું કે, આ ખુશીની વાત નથી કે, અમને પત્રકાર પરિષદ બોલાવવી પડી છે. સુપ્રીમ કોર્ટનું તંત્ર યોગ્યરીતે ચાલી રહ્યું ન હતું. છેલ્લા કેટલાક મહિનામાં કેટલીક બાબતો એવી બની હતી જે બનવી જોઇતી ન હતી. સામાન્યરીતે જજ મિડિયાથી અંતર રાખે છે અને જાહેરરીતે ન્યાયતંત્ર તરફથી ચીફ જસ્ટિસ જ નિવેદન કરે છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ ચેલેમેશ્વર વચ્ચે ઘણા મુદ્દા પર મતભેદો છે.

(7:56 pm IST)