મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

આતંકવાદને અટકાવવા પાક.નો નિર્ણયઃ મદરેસા સીધા સરકાર હસ્તક રહેશે

નવા નિર્ણય હેઠળ પાકિસ્તાન સરકારે મદરેસાની માન્યતા, અભ્યાસક્રમ, વોચ સહિતની અન્ય બાબત શિક્ષણ વિભાગ હસ્તક કરી દીધી છે

ઈસ્લામાબાદ તા.૧૨ : ભારતમાં મદરેસાને લઈ ચાલતી ચર્ચા વચ્ચે પાકિસ્તાને આતંકીઓના ગઢ મનાતા ખૈબર પખતુનખ્વામાં મદરેસા પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન સરકારે મદરેસાને હવે સીધા સરકારી નિયંત્રણમાં લઈ લીધા છે.

આ નવા નિર્ણય હેઠળ પાકિસ્તાન સરકારે મદરેસાની માન્યતા, અભ્યાસક્રમ, વોચ સહિતની અન્ય બાબત શિક્ષણ વિભાગ હસ્તક કરી દીધી છે ત્યારે એવું માનવામાં આવે છે કે આતંકી સંગઠનોના વધતા વ્યાપને અટકાવવા આવું પગલું લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ મદરેસાના શિક્ષણને રોકવા માગ કરી હતી.

તે માટે તેમણે વડા પ્રધાન મોદી, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત વિવિધ રાજયને પત્ર પાઠવ્યો હતો, જેમાં તેમનું કહેવું હતું કે મદરેસાના શિક્ષણથી બાળકો દેશની મુખ્યધારાના સંપર્કથી દૂર રહે છે અને તેમનું ધ્યાન આતંકવાદ તરફ ખેંચાયેલું રહે છે ત્યારે ખૈબર પખતુનખ્વામાં પણ આ તર્કના આધારે મદરેસા પર સકંજો કસવામાં આવ્યો છે.

૧૯૮૦ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયેત સેના સામેની લડાઈ માટે આતંકીઓ પેદા કરવામાં ખૈબર પખતુનખ્વા વિસ્તારમાં મોટા પાયે મદરેસા ખોલવામાં આવ્યા હતા ત્યારે કયારેક પાકિસ્તાનની રણનીતિનો મહત્ત્વનો ભાગ મનાતા મદરેસા જ હવે તેના ગળાના ફાંસી સમાન બની રહ્યા છે એટલું જ નહિ પણ હવે મદરેસાની ઓળખ તેની સાથે સંકળાયેલાં આતંકી અને કટ્ટરપંથી સંગઠનો સાથે થવા લાગી હતી.

સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે સમગ્ર પાકિસ્તાનમાં ફેલાયેલા મદરેસામાં અભ્યાસ કરી બહાર નીકળતા વિદ્યાર્થીઓ આતંકવાદી સંગઠનો અને કટ્ટરપંથી જમાત માટે લાઈફ લાઈન સમાન બની ગયા છે અને તેથી જ થોડા દિવસ પહેલાં ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી જમાતનાં ધરણાંના કારણે ભડકેલી હિંસા અને તેમની માગણી સામે ઝૂકીને કાયદા પ્રધાનના રાજીનામા બાદ પાકિસ્તાનમાં મદરેસા પર સકંજો કસવાની માગણી ઉગ્ર બની હતી ત્યારે ધ્યાનમાં લેવાની વાત એ છે કે ખૈબર પખતુનખ્વામાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાની તેહરિક-એ-ઈન્સાફની સરકાર છે.

(4:00 pm IST)