મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

કોરોના નહીં, આઈપીએલને કારણે મેચ રદ થયો? ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાની નિયત ઉપર પ્રશ્નો ઉઠાવ્યા: અંતિમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાએ મેદાન ઉપર ઉતરવાનો જ ઇનકાર કર્યો ? ૧૯મી થી શરૂ થતા આઈપીએલ મેચોમાં ન રમી શકવાનો ડર ભારતીય ક્રિકેટરોને સતાવતો હતો

છેલ્લા ૩૬ કલાકથી ક્રિકેટ જગતમાં સર્જાયેલ હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો.  માન્ચેસ્ટરમાં આજથી શરૂ થઈ રહેલી છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે.  ભારત પાંચ મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ હતું, જો ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની મેચ જીતી હોત તો બ્રિટિશ ધરતી પર ત્રીજી શ્રેણી જીતી જાત.  હવે માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઇંગ્લેન્ડ અને વેલ્સ બોર્ડ (ECB) ના સીઇઓ ટોમ હેરિસને ભારતીય ખેલાડીઓના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા છે.


સીઈઓ ટોમ હેરિસને કહ્યું કે, મેચ કોરોના વાયરસના ડરને કારણે નહીં પરંતુ 'શું થઈ શકે છે' તેના વિચારને કારણે રદ કરવી પડી.  તેમણે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓને  મનાવવાના દરેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ સહાયક ફિઝિયો થેરાપીસ્ટ યોગેશ પરમાર કોવિડ પોઝિટિવ હોવાથી ગભરાયેલા ખેલાડીઓએ મેદાનમાં ઉતરવાનો જ  ઇનકાર કર્યો હતો.

જો હેરિસનની વાત માનીએ તો, તેમણે કોરોના વાયરસના જાણકાર નિષ્ણાતો સાથે ટીમ ઇન્ડિયાની બેઠક પણ કરાવી હતી.  પરંતુ ટીમ ઇન્ડિયાના સભ્યોએ  મેચ ન રમવાનું મન બનાવી લીધું હતું.  તેમની વાસ્તવિક ચિંતા એ હતી કે જો કોઈ ખેલાડીનો મેચ દરમિયાન પોઝિટિવ ટેસ્ટ આવે તો તેને ઈંગ્લેન્ડમાં ક્વોરેન્ટાઈન થવું પડે, જેના કારણે તેમણે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનાર આઈપીએલનો બીજો તબક્કો ગુમાવવો પડે.  એકવાર ડ્રેસિંગ રૂમમાં ટેન્શન પ્રવેશી જાય પછી તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ છે.  હેરિસને ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક દિવસ ગણાવ્યો હતો.

(9:27 pm IST)