મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

ડ્રેગનની ખંધી ચાલ :ભારતીય સરહદ નજીક તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં ચીન બનાવી રહ્યું છે 30 એરપોર્ટ

તિબેટને અરુણાચલ સીમા પાસે આવેલા ન્યિંગ ચી નામના શહેર સાથે જોડતી બુલેટ ટ્રેન બાદ હવે એરપોર્ટ બનવાનું કામ પુરજોશમાં ચાલુ

નવી દિલ્હી :  ચીન ભારતની સીમાને અડીને પોતાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા ઘણા વર્ષોથી વિકસાવી રહ્યુ છે પણ ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ગયા વર્ષે સર્જાયેલા તણાવ બાદ ચીને સુવિધાઓ ઉભી કરવાની ઝડપ વધારી દીધી છે.

ભારત સાથે ચાલી રહેલા મંત્રણા વચ્ચે ચીને પોતાની સરહદ નજીકના ઘણા વિસ્તારોને રેલવે લાઈન વડે જોડી દીધા છે તો બીજી તરફ એવી વિગતો સપાટી પર આવી છે કે, ભારત સાથે જોડાયેલા તિબેટ અને શિનજિયાંગ પ્રાંતમાં ચીન 30 એરપોર્ટ બનાવી રહ્યુ છે. કેટલાક એરપોર્ટ બની ગયા છે અને કેટલાકનું કામ ચાલી રહ્યુ છે.

આ તમામ એરપોર્ટ ભારતની સરહદથી અત્યંત નજીક છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચીને તાજેતરમાં જ એક બુલેટ ટ્રેન શરુ કરી છે અને તે તિબેટને અરુણાચલ સીમા પાસે આવેલા ન્યિંગ ચી નામના શહેર સાથે જોડે છે.

રેલવે અને રોડ રસ્તા જેવી સુવિધાઓ ડેવલપ કરવા પાછળ ચીનનો ઈરાદો બહુ સાફ છે કે, લશ્કરી તનાવના સમયમાં સરહદ સુધી સૈનિકો અને બીજા દારૂગોળાની હેરફેર ઝડપતી કરી શકાય. ચીને તિબેટ અને શિનજિયાંગ પ્રાંત માટે 23 એર રુટ ખોલી દીધા છે. જેથી જરુરત પડે તો સેનાની અવર જવર ઝડપી બનાવી શકાય.

(11:48 pm IST)