મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

મહિલાઓ અંગે તાલિબાન - RSSના વિચારો એક સમાન

દિગ્વિજયસિંહે મોહન ભાગવત પર સાધ્યું નિશાન

નવી દિલ્હી તા. ૧૦ : જયારથી અફઘાનિસ્તાને તાલિબાનનું શાસન આવ્યુ છે ભારતમાં આ મામલે ઉગ્ર ચર્ચાઓ જામી છે. વચગાળાની સરકાર બનાવ્યા બાદ તાલિબાને નિવેદન આપ્યું કે મહિલાઓ મંત્રી બની શકે નહીં. આ મામલે હવે ભારતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે RSSને લઇને આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે શુક્રવારે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે તાલિબાન કહે છે કે મહિલાઓ મંત્રી બનવા યોગ્ય નથી,મોહન ભાગવત કહે છે કે મહિલાઓએ ઘરમાં જ રહીને ઘર ચલાવવું જોઈએ. શું RSSના વિચારો તાલિબાન જેવા નથી? મહિલાઓને મામલે RSSના વિચારો અને તાલિબાનના વિચારો એક સમાન છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે RSSના વડા મોહન ભાગવતનું ૨૦૧૩નું એક જૂનું નિવેદન શેર કર્યું છે.જેમાં મોહન ભાગવતે કહ્યું કે લગ્ન એ પતિ અને પત્ની વચ્ચેનો એક કરાર છે, જેમાં પત્ની ઘર અને અન્ય વસ્તુઓનું ધ્યાન રાખે છે જયારેપતિ કામ અને સ્ત્રીની સલામતીનું ધ્યાન રાખે છે.

હાલ જયાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા પર તાલિબાનના મુદ્દે ભારતમાં સતત ચર્ચા ચાલી રહી છે. વિપક્ષના ઘણા નેતાઓ દ્વારા સરકારને આ મુદ્દે ઘેરી લેવામાં આવી છે, જયારે ઘણાનેતાઓએ તાલિબાન વિશે આવા નિવેદનો આપ્યા છે, જેનાથી હોબાળો મચી ગયો છે.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ભારત સરકાર પાસે અફઘાનિસ્તાન અંગેની નીતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને લખ્યું છે કેમોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવું પડશે કે તાલિબાન સરકાર જેમાં જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનના સભ્યો અને જાહેર કરાયેલા આતંકવાદી મંત્રી છે.શું ભારત તેને માન્યતા આપશે? સરકારે હવે પોતાનું વલણ સ્પષ્ટ કરવુ પડશે.

(3:38 pm IST)