મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

ઉડ્ડયન ક્ષેત્રમાં સુધારા માટે નાગરીક ઉડ્ડયન પ્રધાન સીંધીયાનો ૧૦૦ દિવસનો પ્લાન

૫૦ નવા રૂટ, પ નવા એરપોર્ટ શરૂ કરવાનું લક્ષ્ય નવા એરપોર્ટમાં ગુજરાતનું કેશોદ પણ સામેલ

નવી દિલ્હીઃ ઉડ્ડયન સેકટરમાં મોટા સુધારા અંગે પોતાનો ૧૦૦ દિવસનો પ્લાન જાહેર કરતા નાગરીક ઉડ્ડયન પ્રધાન જયોતિરાદિત્ય સીંધીયાએ ગુરૂવારે કહ્યું કે 'ઉડાન' યોજના હેઠળ ક્ષેત્રીય કનેકટીવીટી માટે ૫૦ નવા રૂટ, પ એરપોર્ટ અને ૬ હેલી પોર્ટ ચાલુ કરવામાં આવશે. ૫૦ નવા રૂટમાંથી ઓછામાં ઓછા ૩૦ ઓકટોબર ૨૦૨૧માં શરૂ કરાશે તેમ પણ તેમણે  જણાવ્યું હતું.

સીંધીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'મંત્રાલય માટે અમારો ૧૦૦ દિવસનો પ્લાન છે જે પારદર્શકતા સાથે રસ ધરાવતા લોકો માટે અમે જવાબદાર છીએ. ૧૦૦ દિવસના આ લક્ષ્યમાં અમારા ત્રણ પાયાના મુદાઓ રહેશે. ઇન્ફ્રાસ્ટ્રકચર, પોલીસી ટાર્ગેટ અને સુધારાની પહેલ. સીંધીયાએ વધુમાં ઉમેર્યુ કે આ સ્કીમ ૩૦ નવેમ્બર સુધી ચાલશે.

આ ૧૦૦ દિવસની સ્કીમમાં જે એરપોર્ટના નામ છે તેમાં કેશોદ (ગુજરાત), દેવગઢ (ઝારખંડ), ગોંદીઆ (મહારાષ્ટ્ર), સીંધદૂર્ગ (મહારાષ્ટ્ર) અને કુશીનગર (ઉત્તરપ્રદેશ) સામેલ છે તો હેલીપોર્ટ જયાં શરૂ થવાના છે તેમાં સંજોલી (સીમલા), સાસે (મનાલી), મંડી અને બડ્ડી (હિમાચલપ્રદેશ), હલ્દવાની અને અલમોડા (ઉત્તરાખંડ) છે.

સીંધીયાએ વધુમાં કહ્યું કે આ યોજનામાં એર સેવા ૩.૦ પોર્ટલ શરૂ કરવાનું પણ સામેલ છે. તેમણે કહ્યું કે એરલાઇન્સો નિશ્ચિત સમય મર્યાદામાં પેસેન્જરોને રીફંડ ચુકવવા માટે જવાબદાર રહેશે પછી ભલે તે ટીકીટ એજન્ટ પાસેથી લીધી હોય કે પછી ઓનલાઇન પોર્ટલ પરથી લીધી હોય.

(3:37 pm IST)