મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

ક્રૂડ ઓઇલની કિંમતો વધી

સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા

નવી દિલ્હી,તા.૧૦: દેશભરમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. શુક્રવાર, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ માટે સરકારી ઓઇલ કંપનીઓએ ઈંધણની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે ૫ સપ્ટેમ્બરે ઘટાડો કરાયો હતો, જેમાં ૧૫ પૈસા સુધી બંને ઈંધણ સસ્તા થયા હતા. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઉછાળ નથી જોવા મળ્યો. જોકે, હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ગુરુવારે બીજા સત્ર માટે વધ્યા છે. બ્રેંટ ૨૬ સેન્ટ (૦.૩૬ ટકા) વધીને ૭૨.૮૬ ડૉલર પ્રતિ બેરલ પર અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડ (૦.૧૭ ટકા) વધીને ૬૯.૪૨ ડૉલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

(3:33 pm IST)