મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો આજનો ટેસ્ટ મેચ રદ્દ : બીસીસીઆઈ અને ઈસીબી આમને - સામને : અંગ્રેજોની નફફટાઈ : અંતિમ ટેસ્ટ રદ્દ થતાં કહ્યું અમને વિજેતા જાહેર કરી દયો : જો કે BCCIએ ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિચિત્ર શરત મૂકી કે જો ભારત પાંચમી ટેસ્ટ નહિં રમે તો તેને આ મેચમાં રમ્યા વગર હાર માનવી પડશે, એટલે કે ઈંગ્લેન્ડને વોકઓવરમાં આ મેચ આપીને ભારતે હારનો સ્વીકાર કરી લેવો જોઈએ અને સીરીઝ ૨-૨થી ડ્રો કરી નાખો : ટીમ ઈન્ડિયા આ સીરીઝ ૨-૧થી જીતશે કે પછી સીરીઝ ૨-૨થી ડ્રો ગણાશે?

માન્ચેસ્ટર : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી છે. પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, માનચેસ્ટરમાં આજથી શરૂ થતી પાંચમી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે, આ મેચ રદ કરવામાં આવી છે. ગઈકાલના ટીમ ઇન્ડિયાના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારે હડકંપ મચી ગયો હતો. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.જો માન્ચેસ્ટરમાં યોજાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ભારતે જીતી હોત અથવા તો ડ્રો પણ કરી હોત તો સિરીઝ પર ભારતે કબજો કરી લીધો હોત. જો કે, ઈસીબીનું કહેવું છે કે, સિરીઝ ૨-૨ થી બરાબર થઈ ગઈ છે. કેમ કે, કોરોનાના ખતરાને જોતા ભારતે મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. જેના કારણે ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ છે. જો કે, બીસીસીઆઇએ આ વાતથી સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે દાવો કર્યો છે કે ભારતીય ટીમ તેના ખેલાડીઓને મેદાનમાં ઉતારવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં, હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું પાંચમી ટેસ્ટ પાછળથી રમાશે, શું ભારત આ સિરીઝ ૨-૧ થી જીતશે કે પછી સિરીઝ ૨-૨થી ડ્રો ગણાશે? ECB નું કહેવું છે કે BCCI સાથે વાતચીત બાદ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેમ્પમાં કોરોનાના વધતા કેસોના ભયને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે, ટીમ ઇન્ડિયા તેના ખેલાડીઓને તૈયાર કરી શકી નથી. ઈંગ્લેન્ડે પ્રથમ મેચમાં પોતાની જીતનો દાવો કર્યો હતો, જોકે આ નિવેદન બાદમાં બદલવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં હવે આ ટેસ્ટ મેચ રદ માનવામાં આવી છે.

BCCI એ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે પાંચમી ટેસ્ટ મેચ ન રમવા અંગે ચર્ચા કરી ત્યારે તેઓએ એક વિચિત્ર ઓફર કરી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક શરત મૂકી હતી કે જો ભારત પાંચમી ટેસ્ટ મેચ નહીં રમે તો તેને આ મેચમાં રમ્યા વગર હાર માનવી પડશે. એટલે કે, ઇંગ્લેન્ડને વોકઓવરમાં આ મેચ આપીને ભારતે હાર સ્વીકારી લેવી જોઈએ અને સિરીઝ ૨-૨ ની હોવી જોઈએ.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ૩ સભ્યો ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ વચ્ચે ટીમમાં કોરોનાનો વધુ એક નવો કેસ સામે આવ્યો હતો. આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ મેચ પહેલા કોવિડ-૧૯ થી સંક્રમિત મળી આવ્યા હતા.

અગાઉના દિવસે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. આ પછી, બંને બોર્ડ નિિ?ત સમયે એટલે કે શુક્રવારથી મેચ શરૂ કરવા સંમત થયા હતા. પરંતુ ત્યારબાદ બોર્ડની વાટાઘાટોમાં છેલ્લી ટેસ્ટ મેચ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

(6:10 pm IST)