મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

વાયુસેનાને મળી શકિતશાળી MRSAMની મિસાઇલ સિસ્ટમ

દુશ્મનોનો ૭૦ કિ.મી. દુરથી જ ખાત્મો કરશે : જેસલમેરમાં IAFના કાફલામાં મિસાઇલનું પ્રથમ યુનિટ સામેલ

નવી દિલ્હી તા. ૧૦ : ભારત સમયાંતરે પોતાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં નવા નવા પગલાઓ ભરતુ રહે છે. હાલમાં જ ભારતને ગર્વ અપાવે એવી એક સિદ્ઘિ પ્રાપ્ત થઇ છે. ભારત અને ઇઝરાયેલને સંરક્ષણ ક્ષેત્રે પોતાની તાકાત વધારવામાં મોટી સફળતા મળી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જેસલમેરમાં IAF ના કાફલામાં મધ્યમ રેન્જની સપાટીથી હવામાં મિસાઈલ (MRSAM) નું પ્રથમ યુનિટ સામેલ કર્યું.

આ મિસાઈલ ૭૦ કિલોમીટરની ત્રિજયામાં દુશ્મનને મારવા સક્ષમ છે. સિસ્ટમમાં અદ્યતન રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ, મોબાઇલ લોન્ચર અને રેડિયો ફ્રીકવન્સી સીકર સાથે ઇન્ટરસેપ્ટર પણ છે. આ મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ઇઝરાયેલની IAI દ્વારા સંયુકત રીતે વિકસાવવામાં આવી છે. તેમાં ભારત અને ઇઝરાયલની અન્ય સંરક્ષણ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. MRSAM નો ઉપયોગ ભારતની ત્રણ સેનાઓ અને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'એરફોર્સને MRSAM સોંપવાની સાથે, અમે પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એક મોટી છલાંગ લગાવી છે. આ એર ડિફેન્સ સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થશે. રાજનાથ સિંહે વધુમાં જણાવ્યુ કે આજે સમગ્ર વિશ્વ ખુબ ઝડપથી બદલાઇ રહ્યુ છે દેશોના પરસ્પર સમીકરણો પણ તેમના હિતો અનુસાર પરિવર્તન લાવવું જરૃરી છે.'

દક્ષિણ ચીન સમુદ્ર હોય કે ઇન્ડો-પેસિફિક કે મધ્ય એશિયા, દરેક જગ્યાએ અનિશ્યિતતાની સ્થિતિ જોવા મળી રહી છે. બદલાતા ભૂ-રાજકારણની અસર વેપાર, અર્થતંત્ર, પાવર પોલિટિકસ પર પણ જોઈ શકાય છે. આપણી સુરક્ષા અને આત્મનિર્ભરતાની તાકાત એક સિદ્ઘિ નહીં પણ એક જરૃરિયાત બની જાય છે.

MRSAM સિસ્ટમ દ્વારા, સામેથી આવતાં કોઈપણ ફાઇટર એરક્રાફટ, હેલિકોપ્ટર, UAV, સબસોનિક અને સુપરસોનિક ક્રુઝ મિસાઈલનો નાશ કરી શકાય છે. આ મિસાઈલ ૭૦ કિમીની ત્રિજયામાં ઘણા લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ મિસાઈલ સ્વદેશી ટેકનોલોજી પર આધારિત રોકેટ મોટરની મદદથી ચલાવવામાં આવે છે.

આ ખાસ અવસર પર વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ ભદૌરિયાએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે આ સિસ્ટમ વાયુસેનાની ક્ષમતાઓમાં વધારો કરશે. સાથે જ DRDO ના ચેરમેન ડો.જી. સતીશ રેડ્ડીએ MRSAM સિસ્ટમ તૈયાર કરનારી ટીમને અભિનંદન આપ્યા હતા.

(1:18 pm IST)