મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

કોંગ્રેસનો વટ પહેલા જેવો નથી રહ્યો

શરદ પવારે કોંગ્રેસની ધોલાઇ કરી : કહ્યું કે તેમનો દબદબો હવે રહ્યો નથી : સ્વિકાર કરે : જમીનદારની મજેદાર વાર્તા ટાંકી

નવી દિલ્હી તા. ૧૦ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેનું વર્ચસ્વ હવે પહેલા જેવું રહ્યું નથી. એમ કહીને શરદ પવારે સંકેત આપ્યો કે મહારાષ્ટ્રના શાસક ગઠબંધનમાં કોંગ્રેસે વાસ્તવિકતા તપાસવી જોઈએ. વધુમાં પવારે કહ્યું કે, એક સમય હતો જયારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ હતી. પણ હવે એ સમય નથી રહ્યો અને એ સત્યતા કોંગ્રેસે સ્વીકારવી જોઈએ. આવી માનસિકતા જયારે કોંગ્રેસમાં આવશે ત્યારે તે અન્ય વિપક્ષી પાર્ટીઓની સાથે નિકટતા વધારી શકશે.

પવારે ડિજિટલ પ્લેટફોર્મને જણાવ્યું હતુ કે, જયારે નેતૃત્વની વાત આવે ત્યારે કોંગ્રેસના મારા સાથીઓ અલગ વિચાર લેવાની તરફેણમાં નથી. પવારને જયારે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીના સંયુકત વિરોધનો ચહેરો હોવાનું કહેવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસના લોકોએ કહ્યું અમારી પાસે રાહુલ ગાંધી છે. પવારે કહ્યું કે, તમામ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસના સાથી પક્ષો તેમના નેતૃત્વ અંગે અલગ વલણ અપનાવવા તૈયાર નથી.

શરદ પવારને જયારે પુછવામાં આવ્યુ કે આ કોગ્રેંસનો અહંકાર છે તો તેના જવાબમાં પવારે જમીનદારો વિશે એક વાર્તા કહી હતી, જેમની પાસે ઘણી જમીન અને મોટી હવેલીઓ હતી. લેન્ડ સીલિંગ એકટને કારણે તેમની જમીન ઘટી હતી. હવેલીઓ રહી પણ તેમની જાળવણી અને સમારકામ કરવાની ક્ષમતા (જમીનદારોની) ત્યાં નહોતી. ખેતીમાંથી તેમની આવક પણ પહેલા જેવી નહોતી. પવારે કહ્યું કે તેમની જમીન અનેક હજાર એકરથી ઘટાડીને ૧૫-૨૦ એકર કરી દેવામાં આવી છે. જયારે સવારે જમીનદાર જાગ્યો ત્યારે તેણે આસપાસના લીલા ખેતરો જોયા અને કહ્યું કે બધી જમીન તેની છે. તે જમીન પહેલા તેની હતી પરંતુ હવે નથી. જયારે ઉજ્જડ ગામના પાટીલ (મુખ્ય) સાથે કોંગ્રેસની સરખામણી કરી શકાય છે કે કેમ તે પૂછતાં પવારે કહ્યું કે તેઓ આ સરખામણી કરવાનું પસંદ નથી કરતા.

(10:14 am IST)