મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

સ્વાસ્થ્ય મંત્રાલયનો મોટો ખુલાસો : કોરોના વેકસીન ટ્રેકરને લોન્ચ કરાશે

કોરોના રસીના બંને ડોઝ લીધા હશે તો મૃત્યુનુ જોખમ નહિવત

કોરોનાથી થતા મોતને રોકવા પ્રથમ ડોઝ ૯૬.૬ અને બીજો ડોઝ ૯૭.૫ ટકા અસરકારક

નવી દિલ્હી તા. ૧૦ : ભારતમાં કોરોના સંક્રમણની રફતાર હાલમાં ઘટી છે અને સાથે ત્રીજી લહેરનો ખતરો પણ વધી રહ્યો છે.સરકારની કોશિશ છે કે ત્રીજી લહેરની દસ્તક પહેલા જ વેકસીનનો પહેલો ડોઝ આપી દેવો જેથી સંક્રમણના કારણે મોતનો ખતરો ઘટાડી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોનાના કારણે થતા મોતને રોકવામાં વેકસીનનો સિંગલ ડોઝ ૯૬.૬ ટકા અને બંને ડોઝ ૯૭.૫ ટકા પ્રભાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે એક નવું વેકસીન ટ્રેકર લોન્ચ કરવામાં આવી રહ્યું છે જેમાં કોરોનાની ડિટેલ્સ અને સંક્રમણ બાદ વેકસીનેશન કરાવેલા લોકોના મોતની સંખ્યા પણ જાણી શકાશે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ એક મહત્વની પહેલ છે અને તેનો હેતુ સંક્રમણ અને તેનાથી થતા મોતની જાણકારી મેળવવાનો છે. એક બ્રિફિંગમાં આઈસીએમઆરના બલરામ ભાર્ગવે કહ્યું હતું કે વેકસીન ટ્રેકરને કોવિન પોર્ટલ, રાષ્ટ્રીય કોવિડ ૧૯ તપાસના આંકડા અને કોવિડ ૧૯ ઈન્ડિયા પોર્ટલના આંકડાના તાલમેલથી વિકસિત કરવામાં આવ્યું છે.

તેઓએ કહ્યું કે આંકડાને આઈસીએમઆરની ઓળખ સંખ્યા અને મોબાઈલ નંબરના આધારે તપાસ કરાશે. એક વેકસીન ટ્રેકર તૈયાર કરવામાં આવી રહ્યું છે જે જલ્દી સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ઓનલાઈન થશે. ટ્રેકર કોવિડ વેકસીનની પહેલી અને બીજા ડોઝની પ્રભાવકારિતાની જાણકારી દર અઠવાડિયે આપશે. ૧૮ એપ્રિલથી ૧૫ ઓગસ્ટ સુધીનો કોવિડ ટ્રેકરના આંકડાની મદદથી મૃત્યુદરને રોકવામાં વેકસીનની પ્રભાવશીલતા ૯૬.૬ ટકા અને બીજા ડોઝ લીધા બાદ ૯૭.૫ ટકા હોવાનું જણાવ્યું છે.

નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે કોરોના વેકસીનના બંને ડોઝ લીધા બાદ બીમારીની ગંભીરતા અને તેનાથી થતા મોતથી લગભગ સંપૂર્ણ સુરક્ષા મળે છે. બાળકોની કોરોના વેકસીનને લઈને વીકે પોલે કહ્યું કે કેન્દ્ર સરકાર બાળકોને કોરોના વેકસીન આપવા માટે વૈજ્ઞાનિક માન્તા પ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે. તેઓએ કહ્યું કે ઝાયડસ કેડિલાને પહેલા જ બાળકો પર વેકસીનના ઉપયોગને લઈને માન્યતા મળી છે. કોવેકસીન પણ ટ્રાયલ પૂરું કરવાની તૈયારીમાં છે. તેઓએ કહ્યું કે એકવાર પરિણામ આવ્યા બાદ એક અન્ય વેકસીન મળી જશે.

(10:15 am IST)