મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

હત્યા અને ભયમાં જ તાલિબાનોને મળે છે ખુશી

અમને ભયાનક લોકોને વેચી દેવાયા છેઃ અફઘાનીસ્તાનની એક માત્ર મહિલા ગાઇડ

નવી દિલ્હીઃ ૧૫ ઓગષ્ટે કાબુલ પર પછી આતંકવાદી સંગઠન તાલિબાન હવે અફધાનિસ્તાનમાં પોતાની સરકાર બનાવી ચુકયું છે. અફધાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવતા જ ત્યાં સૌથી વધારે મુસીબત મહિલાઓ પર આવી છે અને તેઓ પોતાનો જીવ બચાવવા માટે હજુ પણ દેશ છોડવાના પ્રયાસોમાં લાગેલી છે. આવી સ્થિતીમાં અફધાનિસ્તાનની એકમાત્ર મહિલા ટૂર ગાઇડે પોતાની ખૌફનાક અને દુઃખભરી આપવીતિ સંભળાવી છે, જે સાંભળીને આપ પણ પરેશાન થઇ જશો.

આ મહિલા ટૂર ગાઇડે યુધ્ધગ્રસ્ત વિસ્તારથી બચવાના પ્રયાસો કર્યા અને તે દરમ્યાન થયેલ ભયંકર મુશ્કેલીઓને દુનિયા સમક્ષ રાખતા કહ્યું કે ત્યાં તાલિબાની શાસન આવ્યા પછી કાબુલ એરપોર્ટ પર દેશ છોડનારા લોકો વચ્ચે કેટલીયવાર ભાગાભાગી થઇ જેમાં કેટલાય લોકો માર્યા ગયા અને જે બચી ગયા તેમને આતંકવાદીઓએ બહુ ખરાબ રીતે માર્યા.

ફાતિમા નામની આ મહિલાએ સુરક્ષાના કારણોથી પોતાનુ આખુ નામ જાહેર કર્યા વિના જણાવ્યું કે તાલિબાન સત્તામાં આવતા જ તેને હેરાત શહેર છોડી દેવા કહેવામાં આવ્યુ હતું, જયાં તે ઓગષ્ટથી શરૂઆતમાં સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મદદથી રહેતી હતી.

ફાતિમાએ જણાવ્યું કે તાલિબાની લડવૈયાઓ તેને નિશાન બનાવવા માંગતા હતા કેમ કે દેશના પ્રવાસન ઉદ્યોગમાં તેની સફળતાની વાત દુનિયાભરમાં પ્રકાશિત થઇ હતી. ૨૩ વર્ષની આ યુવતિએ હેરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસ પછી ૨૦૨૦માં ધંધાકીય ગાઇડના રૂપમાં કામ કરવાનું શરૂ કયુ હતુ. તાલિબાને સત્તા કબજે કરતા જ તે દેશ છોડવા માટે એરપોર્ટ પહોંચી હતી.

ફાતિમાએ કહ્યું કે ત્યાં તેણે જોયું કે તેની આંખો સામે લોકોને ગોળી મરાઇ હતી ત્યાં હિંસા થઇ રહી હતી, લોકો લોહીથી લથપથ હતા. ફાતિમાએ પોતાના પર હુમલા બાબતે જણાવ્યું, 'બે વાર તાલિબાની સભ્યોમાંથી એકે બંદૂક મારા પર રાખી અને મને કહ્યું કે ચાલી જા નહીંતર હું તને મારી નાખીશ ત્યારે મને લાગ્યું કે અફધાનિસ્તાન હવે મારે રહેવા લાયક જગ્યા નથી રહી. મને લાગ્યું કે અમને ભયાનક લોકોના હાથમાં વેચી દેવાયા છે જેમને હત્યા અને ભયથી આનંદ મળે છે.'

નિરાશ થઇને ફાતિમા અને તેના ગ્રુપે ભીષણ ગરમીમાં એક ગેરેજમાં જીવ બચાવવા આશ્રય લીધો હતો. ત્યાં બેઠેલા એક વ્યકિતએ એક ઇટાલીયન એજન્ટનો સંપર્ક કર્યો ત્યાર પછી તેનું નામ ઇટાલીયન ફલાઇટ લીસ્ટમાં નાખી દેવાયું. અત્યારે ફાતિમા ઇટલીમાં કોઇ પણ ભય વગર રહે છે.

(10:09 am IST)