મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

સોનાના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા અવ્વલ :ચીનને પછડાટ આપીને દુનિયાનો સૌથી મોટા ગોલ્ડ ઉત્પાદક દેશ બન્યો

ચીને છેલ્લા છ મહિનામાં 153 ટન સોનાનું ઉત્પાદન કર્યું: ઓસ્ટ્રેલિયાએ 157 ટન સોનાનું ઉત્પાદન કરી ચીનને પાછળ ધકેલ્યું : વર્ષ 2007થી સોનાના ઉત્પાદનમાં નંબર વન હતુ અને 14 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાએ પછડાટ આપી

નવી દિલ્હી :  ભારત સહીત સમગ્ર દુનિયાના લોકો સોનાના દિવાના છે. સોનુ મેળવવાની ચાહત એવી છે કે ભારતને દુનિયાભરમાંથી અનેક ટન સોનુ દર વર્ષે આયાત કરવું પડે છે. ત્યારે દરેકના મનમાં સવાલ થતો હશે કે આખરે આટલું સોનું આવતુ ક્યાથી હશે.હાલમાં દુનિયાભરમાં સૌથી વધુ સોનુ હજુ પણ ઓસ્ટ્રેલિયામાંથી નીકળે છે.

ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં ચીનને પછડાટ આપતા દુનિયાનું સૌથી મોટા સોના ઉત્પાદક દેશનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલીવખત આ કારનામુ કરીને બતાવ્યું. ઓસ્ટ્રેલિયામાં સોનાનું ઉત્ખનન ઝડપી બનાવ્યું છે. તેવામાં ચીનના ફરીથી આગળ નીકળવાના અણસાર ઓછા છે.

ઓસ્ટ્રેલિયાની કંપની રેડ-ફાઈવ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સોનાની એક મોટી ખાણથી ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. આ ઉત્પાદન એવા સમયે શરૂ થઈ રહ્યું છે કે જ્યારે સોનાના ભાવ 1800 ડોલર પ્રતિ ઔસ આસપાસ છે. ચીન વર્ષ 2007થી સોનાના ઉત્પાદનમાં નંબર વનના સ્થાને હતુ અને આશરે 14 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાએ તેને પછડાટ આપી છે.

ચીને ઘણા વર્ષો સુધી સોનાના ઉત્પાદનમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો. એક અહેવાલ પ્રમાણે ચીને છેલ્લા છ મહિનામાં 153 ટન સોનાનું ઉત્પાદન કર્યું. જ્યારે કે ઓસ્ટ્રેલિયાએ 157 ટન સોનાનું ઉત્પાદન કરીને ચીનને પાછળ રાખી દીધુ. કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં સોના ઉત્પાદનમાં મુશ્કેલી આવી રહી છે અને તે જ કારણોસર તેનું ઉત્પાદન ઘટી ગયું છે. ઓસ્ટ્રેલિયામાં સતત સોનાનું ઉત્પાદન વધી રહ્યું છે. વર્ષ 2019-20માં ઓસ્ટ્રેલિયાએ 328 ટન સોનાનું ઉત્પાદન કર્યું હતુ.

બીજી હેવી મેટલ્સની જેમ સોનુ પણ ધરતી પર ઘણુ દુર્લભ છે. એસ્ટ્રોનોમીના એક રિપોર્ટ મુજબ સમગ્ર માનવ ઈતિહાસમાં ઉત્ખનન કરાયેલા સોનાને એક સોલિડ ક્યૂબમાં રાખવામાં આવે તો તેની એક છેડો 70 ફૂટનો હશે. જે આશરે 1.83 લાખ ટન હશે જે સાંભળવામાં વધુ લાગશે પરંતુ ધરતી મુજબ બહુ વધારે નથી. સઘનતાના કારણે આશરે 1.6 ક્વોડ્રલ્યન ટન સોનુ ધરતીના પેટાળમાં જમા છે. રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયન જિયોલોજીસ્ટ બર્નાર્ડના હવાલાથી આકલન કર્યું છે કે દુનિયાનું 99 ટકા સોનું આપણાથી અનેક માઈલ નીચે ધરબાયેલું છે. જો તેને સમગ્ર ધરતી પર ફેલાવવામાં આવે તેનાથી માત્ર 16 ઈંચ ઊંચાઈની સપાટી બની શકે.

(12:00 am IST)