મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

આજથી હૈદ્રાબાદમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મહત્વની બેઠક

મોડલ નિકાહનામામાં સંશોધન કરવાની તૈયારીઃ ત્રણ દિવસની બેઠકમાં મહત્વનો ફેંસલો લેવાશે

નવી દિલ્હી તા.૯ : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ૩ દિવસની બેઠક આજથી હૈદ્રાબાદમાં શરૂ થઇ રહી છે જેમાં અનેક બાબતોની ચર્ચા થશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં પર્સનલ લો બોર્ડના મોડલ નિકાહનામામાં સંશોધન કરવાની વાત જણાવવામાં આવી રહી છે. આ બેઠકમાં બધા કાજીઓને જણાવવામાં આવશે કે નિકાહ પઢતી વખતે નિકાહનામામાં એ પોઇન્ટ પણ સામેલ કરવામાં આવે કે મીયા અને બીબી બંને ત્રિપલ તલાક ઇન વન સીટીંગનો ઉપયોગ નહી કરે.

 

મૌલાના ખાલીદ રાસીદ ફીરંગી મહલીએ કહ્યુ છે કે સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ફેેંસલા પર સંપુર્ણ રીતે અમલ કરવો જોઇએ. આજથી ૧૧ તારીખ સુધી ચાલનારી બોર્ડની બેઠક પર જે મુદાઓ ચર્ચા થશે તેમાં ત્રણ તલાક મુખ્ય છે. જાણવા મળે છે કે પર્સનલ લો બોર્ડના મોડલ નિકાહનામામાં સંશોધન કરવામાં આવશે.

 

બોર્ડે કહ્યુ છે કે જો સરકાર બધી ત્રુટીઓ દુર કરી દયે તો અમે ત્રણ તલ્લાકને પ્રતિબંધિત કરવાના ખરડાનું સ્વાગત કરશુ. અમે આ ખરડાની વિરૂધ્ધમાં નથી પરંતુ વર્તમાન સ્વરૂપમાં તે અમને મંજુર નથી. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપ સરકાર કાનૂનના માધ્યમથી તલાકની સમગ્ર પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહી છે અને મુસ્લિમ પતિઓને તલાકના અધિકારથી વંચિત કરવામાં આવી રહ્યા છે. (૩-૩)

(10:55 am IST)