મુખ્ય સમાચાર
News of Friday, 9th December 2022

૯ વર્ષમાં બાવન ચૂંટણીમાંથી માત્ર પાંચમાં જીત

કોંગ્રેસના વળતા પાણી ! : મતદારોને આકર્ષી શકે તેવા ચહેરાની ખોટ સાલે છે પક્ષને

નવી દિલ્‍હી, તા.૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. ડબલ એન્‍જિનની સરકારે, બેઠકો જીતવાના તમામ વિક્રમો તોડીને નવો જ વિક્રમ રચ્‍યો છે. તો કોંગ્રેસ તેનુ અસ્‍તિત્‍વ ગુમાવી રહી હોય તે પ્રકારે દેખાવ કર્યો છે. કોંગ્રેસે ૯ વર્ષમાં યોજાયેલ બાવન ચૂંટણીમાંથીં પાંચમાં જ જીત મેળવી છે બાકીનામાં તેનો પરાજય થયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ કોંગ્રેસને ભારે આચંકો આપ્‍યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે, સૌથી વધુ બેઠકો જીતવાનો કોંગ્રેસનો વિક્રમ તોડીને એક નવો જ રેકોર્ડ સ્‍થાપ્‍યો છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૨૭ વર્ષથી સતત ગુજરાતનો ગઢ અંકે કરતી આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ સતત નબળો દેખાવ કરતી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ લગભગ ખોવાઈ ગઈ હોય તે પ્રકારે દેખાવ કર્યો છે. પ્રજાને લગતી અનેક સમસ્‍યાઓ હોવા છતા, કોંગ્રેસ તે મુદ્દાઓને ઉઠાવીને મતમાં પરિવર્તીત કરવામાં સરેઆમ નિષ્‍ફળ સાબિત થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસનુ અસ્‍તિત્‍વ ગુમાવી રહી હોય તેમ માત્ર ગણી ગાઠી બેઠકો જ મેળવી શકી છે. ગુજરાતના અનેક જિલ્લામાં કોંગ્રેસ એક બેઠક પણ મેળવી શકી નથી તો કેટલાક ઉમેદવારોએ તો ચૂંટણીની ડિપોઝીટ ગુમાવી છે. ગુજરાતમાં કોંગ્રેસની સતત હાર થવી એ ચોક્કસ પક્ષ માટે ચિંતાનો વિષય બન્‍યો છે.

કોંગ્રેસ માટે ગુજરાત જ નહી, દેશના અન્‍ય રાજ્‍યોમાં પણ થઈ રહેલી હારને કારણે ચિંતા વધી છે. છેલ્લા નવ વર્ષમાં દેશમાં યોજાયેલી સામાન્‍ય અને પેટાચૂંટણીઓમાં કોંગ્રેસ સતત નબળો દેખાવ કરતી રહી છે. ભાજપ પાસે જીત અપાવનારો નરેન્‍દ્ર મોદીનો ચહેરો છે. જ્‍યારે કોંગ્રેસ પાસે એવા કોઈ નેતા નથી કે જેમના નામે મત મળે. ભાજપમાં મોદી ઉપરાંત અનેક નેતાઓ એવા છે કે જેઓ જાહેર સભાઓ ગજવીને મતદારોને તેમના તરફી મતદાન કરવા પ્રોત્‍સાહીત કરે છે. તો બીજી બાજુ કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી સહીતના કોઈ એવા નેતાઓ નથી જેમના નામે સિક્કા પડે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અગમ્‍ય કારણોસર, કોંગ્રેસનું રાષ્‍ટ્રીય નેતળત્‍વે જાહેરસભા ગજવી નહોતી. પ્રચાર કાર્યમાં જોતરાયા નહોતા. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતમાં મોંઘવારી અને બેરોજગારીની સાથે સાથે સરકારી કર્મચારીઓની નારાજગીએ મહત્‍વની ભૂમિકા ભજવી હતી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને ઉઠાવવામાં સફળ રહી હતી જેના કારણે ભાજપને સત્તાસ્‍થાનેથી દુર કરવામાં કોંગ્રેસ સફળ નિવડી છે.

(11:38 am IST)