મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

શહીદ સીડીએસ બિપિન રાવતના કાલે સાંજના 4.00 વાગ્યે દિલ્હીના ધોળાકુઆના બરાર સ્ક્વેરમાં અંતિમ સંસ્કાર કરાશે

બપોરે પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન 3 કામરાજ માર્ગમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે

નવી દિલ્હી : પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ સમારોહ બાદ શહીદ સીડીએસ બિપિન રાવતના આવતીકાલે સાંજના 4.00 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ સમારોહ બાદ શુ્ક્રવારે 11.00 વાગ્યે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન 3 કામરાજ માર્ગમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. બપોરે બે વાગ્યે તેમના પાર્થિવ શરીરને સેનાના ત્રણેય અંગના મિલિટરી બેડની સાથે ધોળાકુઆના બરાર સ્ક્વેર ખાતે લઈ જવાશે. સાંજના લગભગ 4.00 વાગ્યાની આસપાસ ધોળાકુઆના બરાર સ્ક્વેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પુત્રી કાર્તિકા અને તારિણી પિતાના દેહને મુખાગ્નિ આપે તેવી શક્યતા, પરિવારના બીજા સભ્યો પણ  મુખાગ્નિ આપી શકે છે. રાવત દંપતિને સંતાનમાં બે પુત્રીઓ છે.

કાર્તિકા રાવત અને તારિણી રાવત માતાપિતાને શ્રદ્ધાંજલિ આપવા પાલમ એરપોર્ટ આવી હતી. પાલમ એરપોર્ટ પર જ્યારે માતાપિતાના તાબૂત આવ્યાં ત્યારે બન્ને દીકરીઓને સંભાળવી પડે તે હદે રડી પડી હતી. માતાપિતાને તાબૂતનો સ્પર્શ કરતા કાર્તિકા  અને તારિણી જાણે કહી રહી હતી કે મમ્મી-પપ્પા તમે અમને નોંધારા  મૂકીને ચાલ્યા ગયા. માતા અને પિતાના પાર્થિવ શરીરને જોઈને તેમના તાબૂતને સ્પર્શતી દીકરીઓ જોઈને હાજર રહેલા લોકો પણ રડી પડ્યાં હતા. પોતાના સૌથી મોટા અધિકારી સહિત એકીસાથે આટલી સંખ્યામાં તાબૂત જોઈને મહિલા લશ્કરી અધિકારીઓ પણ તેમના આંસૂઓ રોકી શકી નહોતી. એક તબક્કે તો એવું લાગતું હતું કે જાણે પાલમ એરપોર્ટ આંસૂઓનો દરિયો ન હોય. 

(11:13 pm IST)