મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર જીવિત ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહના 24 કલાકમાં ત્રણ ઓપરેશન : હવે બેંગ્લોરમાં કરાશે સારવાર

ભોપાલ નિવાસી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પિતા કર્નલ (નિવૃત્ત) કેપી સિંહે વરુણસિંહને બેંગ્લોર શિફ્ટ કરવાની પુષ્ટિ કરી

નવી દિલ્હી : CDS બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર એવા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર હવે બેંગલુરુમાં કરવામાં આવશે. તેમને વેલિંગ્ટનથી સુલુર થઈને બેંગ્લોર લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે Mi-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટનને વેલિંગ્ટનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. પરંતુ તેમને વધુ સારી સારવારની જરૂર છે. ગ્રુપ કેપ્ટન સિંહના અત્યાર સુધીમાં 3 ઓપરેશન થયા છે. આ પછી પણ તેમની હાલત નાજુક છે. ભોપાલ નિવાસી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પિતા કર્નલ (નિવૃત્ત) કેપી સિંહે વરુણને બેંગ્લોર શિફ્ટ કરવાની પુષ્ટિ કરી છે. તેઓ વેલિંગ્ટન પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે હું અત્યારે પુત્રની સ્થિતિ વિશે વધુ કહી શકું તેમ નથી.

હેલિકોપ્ટર Mi-17V5 દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને 11 સશસ્ત્ર દળના જવાનો માર્યા ગયા હતા. આ હેલિકોપ્ટરમાં ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ જનરલ રાવતની વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજની મુલાકાત માટે લાયઝન ઓફિસર તરીકે હાજર હતા. હાલમાં તેઑ આ જ કોલેજમાં પ્રશિક્ષક તરીકે કાર્યરત છે.

દિલ્હીના એક અધિકારીએ જણાવ્યું કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત હજુ પણ નાજુક છે અને તેમને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં સુલુર લઈ જવામાં આવ્યા હતા. સુલુરથી તેને બેંગ્લોર લઈ જવામાં આવશે. સિંહે જનરલ રાવતનું સુલુર એરબેઝ પર સ્વાગત કર્યું હતું જ્યાંથી ટીમ હેલિકોપ્ટરમાં વેલિંગ્ટન જઈ રહી હતી.

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે અગાઉ ગયા વર્ષે તેજસ એરક્રાફ્ટની ટ્રાયલ ફ્લાઈટ દરમિયાન મોટી ટેકનિકલ ખામી સર્જાતાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું અને તેમાંથી બચી ગયા હતા. તેમની બહાદુરી માટે તેમને આ વર્ષે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

(9:31 pm IST)