મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

પાકિસ્તાની સેનાએ રાવતના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું

ભારતના સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું : પાક. સેનાએ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને ભારતના સીડીએસનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું

ઈસ્લામાબાદ, તા.૯ : પાકિસ્તાની સેનાએ સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું તેને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બનેલી દુર્ઘટનામાં સીડીએસ રાવતના પત્ની સહિત ૧૩ લોકોના મોત થયા છે. આ સમાચારના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી છે. પાકિસ્તાનથી પણ લોકો સીડીએસ બિપિન રાવત અને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

પાકિસ્તાની સેનાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'જનરલ નદીમ રજા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએસ (ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ) ભારતમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુર્ઘટનાપૂર્ણ મૃત્યુ પર પોતાની સંવેદનાઓ જાહેર કરે છે.'

તમામ પાકિસ્તાનીઓ પણ સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર પર દુખ જાહેર કરી રહ્યા છે. એમ. નોમાન નામના એક યુઝરે લખ્યું હતું કે, સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર જાણીને હું શોકમાં છું. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ.

તમામ લોકો પાકિસ્તાની સેનાની પણ પ્રશંસા કરી રહ્યા છે. ઈબ્રાહિમ હનીફ નામના એક યુઝરે લખ્યું હતું કે, માનવતા સૌથી પહેલા આવે છે અને પાકિસ્તાની આર્મીએ પ્રોફેશનલિઝમ દેખાડ્યું છે. અમે લોકો નફરતમાં વિશ્વાસ નથી રાખતા.

મંસૂર નામના અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ માનવતાનો સંદેશો છે. જો અમારો દુશ્મન પણ પીડામાં મરે તો પણ એ જીવનું જ નુકસાન છે. માનવતાના આધાર પર આપણે આને લઈ ખુશ ન થવું જોઈએ. આપણે આપણા પાડોશી દેશના દુખમાં સહભાગી બનવું જોઈએ.

(7:12 pm IST)