મુખ્ય સમાચાર
News of Thursday, 9th December 2021

ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગનો ત્રિવેણી સંગમ : વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ : ભુપેન્દ્રભાઈ

દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતનો આજે અંતિમ દિવસ : ગુજરાત UAE માટે ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારત માટે UAEનું પ્રવેશદ્વાર બનવા એકદમ તૈયાર છે : મુખ્યમંત્રી

દુબઈ તા. ૯ : ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોજિસ્ટિકસની સુવિધાઓ, સક્રિય નીતિ નિર્માણ અને રોકાણકારો માટે સાનુકૂળ વાતવરણને પરિણામે ૨૦૨૧માં સમગ્ર ભારતમાં સૌથી વધારે વિદેશી રોકાણ એફ.ડી.આઇ. ગુજરાતે મેળવ્યું છે.

દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આયોજીત રોડ-શો દરમ્યાન અગ્રણી ઉદ્યોગપતિઓનો સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી બુધવારે સવારે દુબઈ પહોંચ્યા હતા અને ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે તેમણે વર્લ્ડ એકસ્પોની મુલાકાતથી દુબઈ પ્રવાસનો આરંભ કર્યો હતો.

ભૂપેન્દ્રભાઈ પટેલ સમગ્ર દિવસ દરમ્યાન યુએઇના બે મંત્રીઓ તેમજ ૮ જેટલા અગ્રણી ઉદ્યોગ રોકાણકારોને વન ટુ વન બેઠકમાં મળ્યા હતા. સાંજે ઓબેરોય હોટલમાં આયોજિત રોડ શો દરમ્યાન કહ્યું કે, ગુજરાત ભારતના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને અર્બનાઇઝડ્ ઇકોનોમી ધરાવતા રાજયોમાંનું એક રાજય છે અને સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર બન્યું છે. ધોલેરા લ્ત્ય્, ગિફટ સીટી, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સના વિકાસ પર ગુજરાતે ભાર મૂકયો છે.

પટેલે આ ત્રણેય પ્રોજેકટ્સની વિસ્તૃત છણાવટ કરી આવા ફયુચરિસ્ટિક પ્રોજેકટ્સના પાયામાં ગુજરાતને વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી સજ્જ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન રહેલા છે તેમ ઉમેર્યુ હતું.

ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતે વિકાસના રોલ મોડેલ સ્ટેટ તરીકે મેળવેલી આ પ્રતિષ્ઠાની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા યુ.એ.ઇ ના ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને વાયબ્રન્ટ સમિટ-૨૦૨૨માં સહભાગી થવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત અત્યારે કેટલાક નોંધપાત્ર સ્ટાર્ટ અપ્સનું કેન્દ્ર છે. ગુજરાતમાં ઇન્કયુબેશન કેન્દ્રો, આઇક્રિએટ વિગેરે દ્વારા એક એવી સફળ ઇકોસિસ્ટમ વિકસી છે જેમાં ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળે છે.

તેમણે ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત-સેલ્ફ રિલાયન્ટ ભારત માટેનું આહવાન કર્યુ છે. ગુજરાત ઔદ્યોગિક, કૃષિ, સામાજીક, માળખાકીય એમ સર્વગ્રાહી વિકાસથી આત્મનિર્ભર બની 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત' માટે પ્રતિબદ્ઘ છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત યુ.એ.ઈ. માટે ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારતમાં યુએઈનું પ્રવેશદ્વાર બનવા માટે એકદમ તૈયાર છે. યુએઇમાં રહેતા ૩૫ લાખ ભારતીયો બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તેમના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે રહેતા ભારતીય સમુદાયોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

(12:35 pm IST)