મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારા નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડઃ ૨૫ હજારનું હતું ઈનામ
નોઈડાના ગ્રેંડ ઓમેકસ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળી કરેલ
નવી દિલ્હીઃ તા.૯: નોઈડાના ગ્રેંડ ઓમેકસ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળી કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગીને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યાગી સાથે પોલીસે ત્રણ લોકોને મેરઠમાંથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂંક કરવાના મામલે ફરાર હતો.
કહેવાય છે કે, શ્રીકાંત ત્યાગી સતત પત્ની અને વકીલ સાથે વાત કરવાની કોશિશ કરતો હતો. આ તમામની વચ્ચે પોલીસે તેના લોકેશનની જાણકારી મળી. ત્યાર બાદ પોલીસે મેરઠથી શ્રીકાંતની ધરપકડ કરી હતી.
પોલીસે મંગળવારે તેની પત્નીની ફરી વાર ધરપકડ કરી હતી. આ અગાઉ પોલીસે શુક્રવારે પણ શ્રીકાંત ત્યાગીની પત્નીની ધરપકડ કરીને ૨૪ કલાકથી પણ વધારે સમય સુધી પૂછપરછ કરી હતી.
તે અગાઉ નોઈડા પોલિસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર ૨૫ હજારનું ઈનામ જાહેર કર્યું હતું. આરોપીની શોધમાં નોઈડા પોલીસની ૮ ટીમો ૩ રાજ્યોમાં તેની શોધ કરી રહી હતી. સોમવારે સોસાયટીમાં આવેલા તેના ઘર પર ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં આવ્યું હતું. આરોપી પર દબાણ બનાવવા માટે ભંગેલમાં તેની દુકાન પર જીએસટીની ટીમે દરોડા પણ પાડ્યા હતા.