મુખ્ય સમાચાર
News of Tuesday, 9th August 2022

ઇઝરાયલે શુક્રાણું,સ્ત્રીબીજ અને ગર્ભાશય વગર જ દુનિયાનું પહેલુ કૃત્રિમ ભ્રૂણ બનાવ્‍યું !

કોઇ પણ મહિલા માટે સ્‍પર્મ વગર માતા બનવું શકય નથી, ત્‍યારે ઇઝરાયલે પોતાની ટેકનોલોજીના કારણે દુનિયાનું ધ્‍યાન પોતાની તરફ ખેચ્‍યું છે

નવી દિલ્‍હી,તા.૯: કોઈપણ મહિલા માટે સ્‍પર્મ વગર માતા બનવું શક્‍ય નથી, ત્‍યારે ઈઝરાયલે પોતાની ટેક્‍નોલોજીના કારણે દુનિયાનું ધ્‍યાન પોતાની તરફ ખેંચ્‍યું છે. ઇઝરાયલે વિશ્વનો પહેલો કૃત્રિમ ગર્ભ તૈયાર કર્યો છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. ખાસ વાત એ છે કે આ કૃત્રિમ ભ્રૂણનું હૃદય પણ ધડકી રહ્યું છે અને તેનું મગજ પણ તૈયાર થઈ ગયું છે.

કહેવાય છે કે સજીવના જન્‍મ માટે ત્રણ વસ્‍તુઓની જરૂર હોય છે. શુક્રાણુ,સ્ત્રીબીજ અને ગર્ભાશય. આ બધુ જ બાળકને ૯ મહિના સુધી રાખી શકે છે. પરંતુ, ઈઝરાયલે આ ત્રણ વસ્‍તુઓ વગર એક કૃત્રિમ ભ્રૂણ બનાવ્‍યું છે અને અત્‍યાર સુધી તેનું પરિણામ પણ સકારાત્‍મક છે. હવે પ્રશ્ન એ છે કે ઈઝરાયેલે આ ભ્રૂણ કેવી રીતે બનાવ્‍યું છે? તો જાણો આ બધા સવાલોના જવાબ.

ઈઝરાયલની વેઈઝમેન ઈન્‍સ્‍ટીટ્‍યુટે સ્‍ટેમ સેલ દ્વારા આ કારનામું થયું છે. અગાઉ આ સંસ્‍થાના વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્‍યું હતું કે, આ રીતે ભ્રૂણ તૈયાર કરી શકાય છે અને તે સફળ રહ્યા હતા. હવે ગર્ભનું હૃદય ધડકવા લાગ્‍યું છે અને મગજ પણ તૈયાર થઈ રહ્યું છે.

અહી ઉલ્લેખનિય છે કે, આ ગર્ભ ઉંદરમાંથી તૈયાર કરવામાં આવ્‍યો છે, જેમાં પૂંછડી વગેરેનો વિકાસ પણ શરૂ થઈ ગયો છે.

તે કૃત્રિમ ગર્ભનો એક પ્રકાર છે, કારણ કે તે ફળદ્રુપ બીજ વિના બનાવવામાં આવે છે. આના દ્વારા ગર્ભ વિકાસથી શરીર કેવી રીતે બને છે તે બાબતો જાણવામાં મદદ મળશે. સંશોધકો માને છે કે આનાથી પ્રાણીઓ પર થતા પ્રયોગ પણ ઘટી શકે છે. આ ઉપરાંત મનુષ્‍યના અનેક પ્રકારના પ્રત્‍યારોપણ માટે પણ આ અભ્‍યાસની મદદ લઈ શકાય છે. ઉદાહરણ તરીકે, લ્‍યુકેમિયાના દર્દીની ત્‍વચાના કોષોને તેમની સારવાર માટે અસ્‍થિ મજ્જાના કોષોમાં રૂપાંતરિત કરી શકાય છે.

રિપોર્ટ્‍સ અનુસાર સ્‍ટેમ સેલમાંથી બનેલા આ ભ્રૂણને એક ખાસ જગ્‍યાએ રાખવામાં આવ્‍યો હતો અને અહીં જ ભ્રૂણનો વિકાસ થયો હતો. આ ખુબ મહત્‍વનું છે કારણ કે સજીવ ગર્ભાશય વિના સ્‍ટેમ સેલ દ્વારા ભૃણ બનાવવામાં આવી રહ્યું છે. આ માટે વૈજ્ઞાનિકોએ ગર્ભાશયમાં ગર્ભના વિકાસ માટે વપરાતી પદ્ધતિઓનો જ ઉપયોગ કર્યો છે. આમાં કુદરતી પદ્ધતિઓ વગર કૃત્રિમ પદ્ધતિઓ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્‍યું છે અને તે જ વાતાવરણ કૃત્રિમ માધ્‍યમો દ્વારા પણ આપવામાં આવ્‍યું છે.

અહી નોંધનીય છે કે, આ પ્રકારનો પ્રયાસ ભૂતકાળમાં પણ કરવામાં આવ્‍યો છે, પરંતુ કોષોનું સર્જન કરવું મુશ્‍કેલ હતું, કારણ કે તે પ્રત્‍યારોપણ માટે જરૂરી ખાસ પેશીઓ તરીકે યોગ્‍ય નહોતા. એવું માનવામાં આવે છે કે આ સંશોધન આગળ વધુ રિસર્ચ માટે મહત્‍વપૂર્ણ બની રહેશે અને તેનો આધાર લઈને ઘણા પ્રકારના ભ્રૂણ બનાવવામાં મદદ થશે.

(10:30 am IST)