મુખ્ય સમાચાર
News of Monday, 9th August 2021

મિશન યુપી માટે કોંગ્રેસની રણનીતિ તૈયાર :'ભાજપ ગાદી છોડો' અભિયાન : યોગી સરકાર સામે બ્યુગલ ફુંકાશે

ભારત છોડો ની તર્જ પર મોંઘવારી, ખેડૂતો અને બેરોજગારી સામે વિરોધ પ્રદર્શન કરાશે

નવી દિલ્હી :  ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં પ્રદર્શન અને સૂત્રોચ્ચારનો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. દેશના સૌથી મોટા રાજ્યમાં ફરી પોતાની જાતને મજબૂત બનાવવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ હવે નવા રંગમાં જોવા મળશે. યુપી કોંગ્રેસ રાજ્યની યોગી સરકાર સામે બ્યુગલ ફૂંકવા જઈ રહી છે. ભારત છોડો ની તર્જ પર મોંઘવારી, ખેડૂતો અને બેરોજગારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 403 મતવિસ્તારોમાં આ વિરોધ શરૂ કરવા જઈ રહી છે. સૂત્ર આપવામાં આવ્યું છે 'ભાજપ ગાદી છોડો'. આ સૂત્રના આધારે કોંગ્રેસ યુપીમાં ફરી પોતાની જાતને ઉભી કરવા માંગે છે. વ્યૂહરચના મુજબ કોંગ્રેસનો કાફલો દરેક પ્રદેશના મુખ્ય બજારમાં પાંચ કિલોમીટર સુધી જશે અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે.

આમ તો, જે મુદ્દાઓ પર કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે, હવે તે જ મુદ્દાઓની મદદથી યુપીમાં રાજકારણને ધાર આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી સતત ખેડૂતો, મહિલા સુરક્ષા અને બેરોજગારી જેવા મુદ્દાઓ પણ ઉઠાવી રહી છે. આવી સ્થિતિમાં હવે જ્યારે કોંગ્રેસનું આ નવું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે પ્રિયંકાની રાજકીય છાપ તેના પર સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે કોંગ્રેસના કાર્યકરો તેને કેટલો સફળ બનાવે છે, આ વિરોધ દ્વારા જનતા કેટલી હદે એક થાય છે, તે આગામી થોડા દિવસોમાં સ્પષ્ટ થશે.

હવે કોંગ્રેસ ચોક્કસપણે ભાજપને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.પરંતુ ભાજપ પોતે જ કોંગ્રેસને લડાઈમાંથી બહાર કાઞવાનું વિચારી રહી છે. તેમનું તમામ ધ્યાન સપા અને અખિલેશ યાદવ પર કેન્દ્રિત છે. આ જ કારણ છે કે સપાના રાજકીય સમીકરણને સમજીને તેમની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ફરી એકવાર તેઓ 300 થી વધુ બેઠકો જીતવા જઈ રહ્યા છે.

(12:00 am IST)