મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

આલેલે.... રાયકા જાતિના લોકોને ડાયાબીટીસની બિમારી થતી જ નથી

અમેરીકા અને સ્વીડનના ડોકટરો રાઇકા જાતિ પર વિશેષ સંશોધન કરશે : કારણ કે આ જાતિના લોકો નિયમીત રીતે ઉંટડીનું દુધ પીવે છે : મંદબુધ્ધીના બાળકોને પણ ફાયદો થાયઃ બીકાનેરના રાષ્ટ્રીય અનુસંધાન કેન્દ્ર ઉંટડીના દુધથી બનેલી પ્રોડકટ પણ બનાવે છે

નવી દિલ્હીઃ રોજિંદા જીવનનાં ખાન પાનનાં કારણે આપણે ઘણી બધી બીમારીનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ જો ડાયાબિટીસની બિમારી થતાં ખાવા-પીવામાં પણ ખૂબ જ બદલાવ લાવવો પડે છે. તમને સાંભળીને નવાઈ થશે કે રાયકા જાતિના લોકો ને ડાયાબિટીસની બીમારી થતી નથી.

 બિકાનેર એસપી મેડિકલ કોલેજની ડાયાબિટીસ કેર એન્ડ રિસર્ચ સેન્ટરમાં રાઈકા જાતિનાં લોકો પર કરેલા પ્રયોગ પરથી જાણવા મળ્યું છે કે તેઓને ડાયાબિટીસની બીમારી થતી નથી. કારણે કે આ જાતિના લોકો નિયમિત રીતે ઊંટડીનું દૂધ પીવે છે. હવે અમેરિકા અને સ્વીડનનાં ડોકટરો ડાયાબિટીસ કેર એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડોકટરો સાથે મળીને રાઈકા જાતી પર વિશેષ સંશોધન કરશે.

 ઊંટડીનું દૂધ બાળકોને કુપોષણથી સુરક્ષિત કરે છે.એક રિસર્ચથી સ્પષ્ટ થયું છે કે ઊંટડીના દૂધના સેવનથી મંદબુદ્ધિના બાળકોને ફાયદો થાય છે. બીકાનેરનું રાષ્ટ્રીય ઉષ્ટ્ર અનુસંધાન કેન્દ્ર ઊંટડીના દૂધથી બનેલી અનેક પ્રોડકટ પણ તૈયાર કરે છે આપણા દેશમાં ગાય અને ભેંસનું દૂધ સૌથી વધારે વપરાય છે. મોટાભાગની ડેરીઓ ગાય અને ભેંસનું જ દૂધ પેક કરીને વેચે છે. એમાંય ભેંસનું દૂધ ગાય કરતાંય વધારે પ્રચલિત છે, કારણ કે ભેંસના દૂધમાં પ્રોટીન તથા ફેટ વધારે હોય છે. ઘણા લોકો ગાંધીજીની જેમ બકરીનું દુધ પણ પસંદ કરતા હોય છે. બકરીનું દૂધ પચવામાં હલકું હોવાથી બાળકોને અને માંદા માણસોને ખાસ બકરીનું દુધ આપવામાં આવે છે. ઊંટનું દૂધ ગુજરાતમાં જવલ્લેજ વપરાય છે. પરંતુ રણપ્રદેશમાં જ્યાં ઊંટ જ નિરાંતે જીવી શકે છે ત્યાંના લોકો ઊંટનું દૂધ પોતે પણ પીએ છે અને બાળકોને પણ પીવડાવવામાં આવે છે. આપણે ત્યાં રાજસ્થાનમાં ઊંટનું દૂધ વધુ પ્રચલિત છે.

 રાયકા જાતિનાં ૧૨૧૪૪ લોકો રોજ ઊંટડીનું દુધ પીવે છેે.  જેમાંથી માત્ર ૧૮ લોકો ડાયાબિટીસ ગ્રસ્ત જોવા મળ્યા છે એટલે કે ૦.૧૫ પ્રતિશત લોકોમાં આ બીમારી જોવા મળી છે. આ દૂધ પીવાથી લોહીમાંથી ઝેરી તત્વો પણ દૂર થાય છે અને લીવર ચોખ્ખુ થાય છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં આરામ મેળવવા માટે પણ ઊંટડીના દૂધનું સેવન કરવું જોઈએ. ઊંટડીનું દૂધ તરત પચી જાય છે. તેમાં દુગ્ધ શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, શુગર, ફાઈબર, લેકિટક અમ્લ, આયર્ન, મેગ્નિશિયમ, વિટામીન એ, વિટામીન ઈ, વિટામીન બી ૨, વિટામીન સી, સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, મેગ્નિઝ, વગેરે તત્વો મળી આવે છે. જે શરીરને સુંદર અને નિરોગી બનાવે છે.

 કોરોનાનાં કારણે છેલ્લા ૧ વર્ષથી આ પ્રોજેકટનું કામ અટક્યું છે.પરંતુ ડોકટરો મુજબ એપ્રિલ મહિના સુધી આ પ્રોજેકટની કામગીરી શરૂ કરવામાં આવશે.

(2:57 pm IST)