મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

કેબીનેટ પ્રધાન કૌશિક પટેલના સાળાનો પુત્ર અને કોંગી ધારાસભ્ય ભગાભાઇ બારડના ભત્રીજા જીવતા સળગી ગયા

અમદાવાદમાં મોટર સાથે કપચી ભરેલ ડમ્પર અથડાતા ૩ યુવાનોના કરૂણ મોતઃ ૨ ગંભીર

વેરાવળ - તાલાળા તા. ૮ : અમદાવાદમાં મોટર સાથે કપચી ભરેલ ડમ્પર અથડાતા કાર સળગી ઉઠતા કેબિનેટ પ્રધાન કૌશિકભાઇ પટેલના સાળાના પુત્ર તથા તાલાલા (ગીર) બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ (ભગાભાઇ)ના ભત્રીજા સહિત ત્રણ યુવકો જીવતા ભડથુ થઇ જતા અરેરાટી વ્યાપી છે. આ દુર્ઘટનામાં ૨ યુવકો દાઝી જતાં તેમને સારવારમાં ખસેડાયા છે.

શહેર ફરતે આવેલા રિંગરોડ પર પુરઝડપે પસાર થઇ રહેલા વાહનચાલકોના કારણે દર એકાદ-બે દિવસે અકસ્માતોની ઘટના બને છે. મોડી રાતે ભાડજ સર્કલ પર પુરઝડપે આવતી કાર એક ડમ્પરમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં એકાએક આગ લાગતાં તેમાં બેઠેલા ત્રણ યુવક બળીને ભડથું થઇ ગયા હતા જયારે બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટનામાં મહેસૂલ પ્રધાન કૌશિક સાળાના વેવાઇનો પુત્ર તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ અને પૂર્વ ધારાસભ્ય જસુભાઇ બારડનાં સગા ભત્રીજાનાં મોત થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વૈષ્ણોદેવી સર્કલથી ભાડજ રિંગરોડ પર મોડી રાતે એક ફોકસ વેગન કાર પુરઝડપે આવી રહી હતી તે સમયે એકાએક કપચી ભરેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગતાં કારમાં બેઠેલા ત્રણ યુવક બળીને ખાખ થઇ ગયા હતા જયારે બે યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. ફોકસ વેગન કારમાં રાહુલ રામભાઇ બારડ (રહે. સાઉથ બોપલ), રોમિલ પટવા (રહે. નવરંગપુરા), ધૈર્ય પટેલ (રહે. સોલા) મોહનસિંહ અને પાર્થ પીપાવત વૈષ્ણોદેવી સર્કલથી ગત મોડી રાતે આસપાસ પસાર થતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.

પોલીસસૂત્રોનાં જણાવ્યા અનુસાર અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી, જેથી તેનું સેન્ટ્રલ લોક એકાએક જામ થઇ જતાં પાંચેય યુવકોને બહાર નીકળવાનો સમય મળ્યો નહીં. જેના કારણે રાહુલ, રોમિલ અને ધૈર્ય આગની લપેટમાં આવી ગયા હતા, જયારે મોહનસિંહ અને પાર્થ ગંભીર રીતે દાઝયા હતા. આ ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મોહનસિંહ અને પાર્થને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સનાં સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર બે યુવકોની હાલત નાજુક છે જેથી તેમને સિમ્સ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પોલીસ, ઉચ્ચધિકારીઓ તેમજ એફએસએલની ટીમ અને સ્થાનિકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભાડજ રિંગરોડ પર મૂકેલા કટના કારણે અકસ્માતની ઘટના વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે કારમાં ભડથું થઇ જનાર રાહુલ બારડ કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ અને પૂર્વ ધારાસભ્ય જશુભાઇ બારડનો સગો ભત્રીજો છે જયારે મરનાર ધૈર્ય પટેલ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના સાળાનો પુત્ર છે. આ ઘટનાના સમાચાર મળતાં કૌશિક પટેલ, ભગવાનભાઇ બારડ સહિત નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. અકસમાત થતાં ડમ્પરચાલક પણ ફરાર થઇ ગયો છે. ટ્રાફિક એ ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ (ભગાભાઇ)ના ભત્રીજા રાહુલભાઇ બારડના મૃતદેહને તેમના વતન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ખાતે આજે સાંજ સુધીમાં લાવવામાં આવશે અને સાંજે ૫ વાગ્યા આસપાસ બાદલપરામાં અંતિમવિધિ કરવામાં આવશે.

રામભાઇ બારડના એકના એક પુત્ર રાહુલ બારડના આકસ્મિક મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. તેમની સગાઇ થોડા સમય પહેલા જામનગર ખાતે થઇ હોવાનું જાણવા મળ્યું છે. રાહુલભાઇ બારડને બે બહેનો છે. રાહુલભાઇ અમદાવાદમાં અભ્યાસ કરતા હતા. જ્યારે તેમના પિતા રામભાઇ બારડ ખેતીવાડીનું કામકાજ સંભાળતા હતા.

(3:11 pm IST)