મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

કચ્છ સરહદે હલચલઃ પાકિસ્તાને હેલિપેડ - ટાવર ઉભા કર્યા

સતત ત્રીજી બોટ ઝડપાઇઃ વારંવાર સેટેલાઇટ ફોન ટ્રેસઃ હવે કચ્છ સરહદની સામે પાર થઇ રહેલ ગતિવિધિ દેશની સુરક્ષા માટે જોખમરૂપ - આપણી સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે પણ આ વખતે સામે પાર થતી પાકિસ્તાની ગતિવિધિમાં ચીનનો પણ સહયોગ

ભુજ તા. ૮ : જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદ, પંજાબ સરહદ નશીલા દ્રશ્યોની હેરાફેરી પછી હવે પાકિસ્તાનની નજર ગુજરાતની કચ્છ સરહદે છે.

 

સતત ત્રીજી વખત બીએસએફે કોઠાવારીક્રીક નજીક પાકિસ્તાની બોટ ઝડપી છે. આ વખતે પણ માછીમારો બીએસએફ જવાનોને હાથાળી આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા છે. વળી, ગત અઠવાડિયે સિરક્રીક નજીકથી સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ થયા હતા.

જે અંતર્ગત ઘુસણખોરીની આશંકા સાથે રેડએલર્ટ અપાયું હતું. જો કે, હજીયે એલર્ટ ચાલુ છે અને સરહદે ચાંપતી નજર રખાઇ રહી છે પરંતુ આ વખતે પાકિસ્તાનની હિલચાલને નજર અંદાજ કરી શકાય તેમ નથી. તેનું કારણ ચીનની મદદથી પાકિસ્તાન એક મોટું બંદર બનાવી રહ્યું છે.

સામે પાર ચીનની ગતિવિધિ વધી છે. તેની સાથે સાથે પાકિસ્તાને પણ લશ્કરની ગતિવિધિ વધારી છે. સિરક્રીકની સામે પાકિસ્તાને પોતાના સીમા વિસ્તારમાં ૩૦ મીટર જેટલો ઉંચો ટાવર બનાવ્યો છે જેના દ્વારા પાક લશ્કર આપણી સરહદી હિલચાલ ઉપર નજર રાખી શકે છે.

તો, અહીં ખાસ હેલીપેડ પણ ઉભું કરાયું છે. જેનો ઉપયોગ પાકિસ્તાની લશ્કર કરે છે. આમ હવે ગુજરાતની કચ્છ સરહદે સામે પાર પાકિસ્તાને શરૂ કરેલી હિલચાલને હવે ગંભીરતાથી લેવાની જરૂર છે.

(10:55 am IST)