મુખ્ય સમાચાર
News of Saturday, 9th January 2021

મોબાઇલ ફોનમાં પોર્ન વિડિયો જોયા બાદ

શારીરિક સંબંધમાં વિચિત્ર આસનના ઉપયોગ બાદ યુવકનું મોત

નાગપુર,તા. ૯: મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો જોયા બાદ વિચિત્ર આસન સાથે શારીરિક સંબંધ બાંધવાની લાયમાં યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના નાગપુરની લોજમાં બની હતી. એકાએક ખુરશી ઊંધી વળી જતાં યુવકના ગળા ફરતે રસ્સીનો ગાળિયો ભીંસાઈ ગયો હોવાનું પોલીસનું કહેવું છે.

મળતી માહિતી અનુસાર ઘટના ગુરુવારે નાગપુરમાં સાવની તાલુકાના ખાપરખેડા તાલુકા પોલીસની હદમાં આવેલા દહેગાંવ રંગારી વિસ્તારની એક લોજમાં બની હતી. ૨૭ વર્ષનો એન્જિનિયર યુવક હાલમાં બેરોજગાર હોવાનું જાણવા મળ્યું હતું. પરિણીત યુવકના પરિણીત યુવતી સાથે અનૈતિક સંબંધ હતા અને યુવતીને એક સંતાન સુધ્ધાં હોવાનું પોલીસનું કહેવું છે.

અંગત પળ માણવા માટે બન્ને જણ ગુરુવારે લોજમાં ગયાં હતાં. પોર્ન વીડિયો જોઈને યુવકને વિચિત્ર આસનમાં શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થઈ હતી. તેની સૂચનાને અનુસરી યુવતીએ ખુરશી પર બેસેલા યુવકના હાથ-પગ રસ્સી વડે બાંધી દીધા હતા. એક રસ્સી યુવકના ગળા ફરતે બાંધી તેનો બીજો છેડો બારીની ગ્રિલ સાથે બાંધવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતી વોશરૂમમાં ગઈ હતી ત્યારે એકાએક ખુરશી ઊંધી વળી ગઈ હતી. અવાજ સાંભળી મહિલા વોશરૂમમાંથી બહાર આવી ત્યારે યુવક બેભાન થઈ ગયો હતો. તેણે છરી વડે તાત્કાલિક યુવકના હાથ-પગે બાંધેલી રસ્સી કાપી નાખી હતી, પરંતુ ગળા ફરતેની રસ્સી કાપવામાં તેને ખાસ્સી વાર લાગી હતી. બારીની ગ્રિલ સાથે બાંધેલી રસ્સી તણાવાને કારણે ગળાફાંસો લાગી જવાથી યુવકનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

યુવક બેભાન થઈ જતાં યુવતીએ લોજના સ્ટાફને મદદ માટે બોલાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ મામલે પૂછપરછ માટે પોલીસે યુવતીને તાબામાં લીધી હતી. લોજના મેનેજર, રૂમ સર્વિસ બોય, વેઈટર્સના પણ નિવેદન નોંધવામાં આવશે. તપાસ માટે યુવક-યુવતીના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

(10:22 am IST)